Football: સુનીલ છેત્રીએ બનાવ્યો વધુ એક રેકોર્ડ, બન્યો પ્રથમ ભારતીય
સુનીલ છેત્રીએ કિંગ્સ કપની પ્રથમ મેચમાં કુરાકાઓ વિરુદ્ધ મેદાન પર ઉતરીને આ કીર્તિમાન સ્થાપિત કર્યો છે.
બુરિરામ (થાઈલેન્ડ): સુનીલ છેત્રી ભારત માટે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમનાર ફુટબોલ ખેલાડી બની ગયો છે. હાલની ભારતીય ટીમના કેપ્ટન છેત્રીએ 108 મેચ રમી છે. સુનીલ છેત્રીએ આ મામલામાં પૂર્વ કેપ્ટન બાઈચુંગ ભૂટિયાને પાછળ છોડી દીધો છે. ભૂટિયાએ રાષ્ટ્રીય ટીમ માટે કુલ 107 મેચ રમી હતી.
સુલની છેત્રીએ અહીં ચાલી રહેલા કિંગ્સ પકની પ્રથમ મેચમાં કેરેબિયન દ્વીપ કુરાકાઓ વિરુદ્ધ મેદાન પર ઉતરીને આ કીર્તિમાન સ્થાપિત કર્યો હતો. ભારતીય કેપ્ટને મેચ દરમિયાન રાષ્ટ્રીય ટીમ માટે 68મો ગોલ પણ કર્યો હતો. છેત્રી આંતરરાષ્ટ્રીય ફુટબોલમાં ભારત માટે સૌથી વધુ ગોલ કરી ચુક્યો છે.
ભારતની ટીમ કિંગ્સ કપમાં કુલ બે મેચ રમશે. પ્રથમ મેચમાં તેનો સામનો કુરાકાઓ સામે થઈ રહ્યો છે. ભારતીય ટીમ આ મેચ જીતે તો તે ફાઇનલમાં પહોંચશે. જો તેમ ન થાય તો તેણે ત્રીજા સ્થાન માટે મુકાબલો રમવો પડશે. આ ટૂર્નામેન્ટમાં યજમાન થાઈલેન્ડ સિવાય, વિયતનામની ટીમ પણ ભાગ લઈ રહી છે.