હિતોના ટકરાવનો મામલોઃ કપિલ દેવે BCCIની સલાહકાર સમિતિમાંથી આપ્યું રાજીનામું
કપિલ પહેલા સમિતિના અન્ય સભ્ય અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શાંતા રંગાસ્વામીએ પણ રાજીનામું આપી દીધું હતું.
નવી દિલ્હીઃ પૂર્વ ભારતીય કેપ્ટન કપિલ દેવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની ક્રિકેટ સલાહકાર સમિતિ (CAC)માથી રાજીનામું આપી દીધું છે. પોતાની આગેવાનીમાં ભારતને પ્રથમવાર વિશ્વ વિજેતા બનાવનાર કપિલ સીએસીના પ્રમુખ હતા. રિપોર્ટ પ્રમાણે, તેમણે ઈમેલ કરીને પોતાના નિર્ણયની જાણકારી બોર્ડને આપી છે.
કપિલ દેવના સીએસી પ્રમુખ રહેતા રવિ શાસ્ત્રીને બીજીવાર ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમના ચીફ કોચ પસંદ કરવામાં આવ્યા હતા. આ સમિતિ પર પુરૂષ અને મહિલા ટીમના હેડ કોચને પસંદ કરવાની જવાબદારી હતી. કપિલની અધ્યક્ષતા વાળી આ સમિતિએ તમામ ઉમેદવારોનો ઈન્ટરવ્યૂ લીધા ત્યારબાદ શાસ્ત્રીની ફરી એકવાર કોચ તરીકે નિમણૂંક કરી હતી.
શાંતાએ પણ આપ્યું હતું રાજીનામું
60 વર્ષીય કપિલ પહેલા સમિતિના અન્ય સભ્ય અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શાંતા રંગાસ્વામીએ પણ રાજીનામું આપ્યું હતું. મહત્વનું છે કે કપિલને બીસીસીઆઈના એથિક્સ ઓફિસર ડીકે જૈને સપ્ટેમ્બરમાં હિતોના ટકરાવની નોટિસ મોકલી હતી. શાંતા અને સીએસીના અન્ય સભ્ય અશુંમન ગાયકવાડને પણ નોટિસ પાઠવવામાં આવી હતી.
કપિલને લઈને કરવામાં આવ્યો દાવો
એમપીસીએના સભ્ય સંજીવ ગુપ્તાએ સીએસીના સભ્યો વિરુદ્ધ ફરિયાદમાં દાવો કર્યો હતો કે તે એક સાથે ઘણી ભૂમિકાઓ નિભાવી રહ્યાં છે. ગુપ્તાએ કહ્યું કે, કપિલ પર હિતોના ટકરાવનો મામલો બને છે કારણ કે તે કોમેન્ટ્રેટર, ફ્લડલાઇટ કંપનીના માલિક અને સીએસી સિવાય ભારતીય ક્રિકેટર્સ એસોસિએશનના સભ્ય પણ છે. શાંતા પણ ભારતીય ક્રિકેટર્સ એસોસિએશનમાં ભૂમિકા નિભાવી રહ્યાં હતા.
IND vs SA: ઓપનિંગ 'ટેસ્ટ'માં રોહિત શર્મા પાસ, ફટકારી શાનદાર સદી
સીઓએએ જાહેરાત કરવાની જરૂર હતી
સૂત્રોએ કહ્યું, 'કપિલે સીએસી પ્રમુખ પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેને લઈને પ્રશાસકોની સમિતિ (સીઓએ)એ સત્તાવાર જાહેરાત કરવાની જરૂર હતી કે આ સમિતિને ભંગ કરી દેવામાં આવી છે કારણ કે વિનોદ રાય આ વાતને લઈને પાક્કા છે કે સીએસીની રચના માત્ર ભારતીય ટીમના મુખ્ય કોચની પસંદગીને લઈને કરવામાં આવી હતી.' તેમણે કહ્યું, 'લગભગ આ મામલામાં દિગ્ગજ ખેલાડીઓ પર હિતોના ટકરાવના જે આરોપ લાગી રહ્યાં છે, તે શરમજનક સ્થિતિથી બચી શકાતું હતું.'