ICC T20 World Cup: ટીમ ઈન્ડિયામાં ફરી ધોનીની એન્ટ્રી, BCCI એ આપી મોટી જવાબદારી
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આઈસીસી ટી20 વિશ્વકપ માટે બીસીસીઆઈએ મોટી જવાબદારી સોંપી છે. ધોનીને ટીમનો મેન્ટોર બનાવવામાં આવ્યો છે.
મુંબઈઃ યૂએઈમાં રમાનાર આઈસીસી ટી20 વિશ્વકપ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) ને મોટી જવાબદારી સોંપી છે. ધોનીને વિશ્વકપ માટે ટીમનો મેન્ટોર બનાવવામાં આવ્યો છે. ધોની હેડ કોચ રવિ શાસ્ત્રી સાથે મળીને કામ કરશે. ભારતે આજે વિશ્વકપ માટે પોતાની ટીમ જાહેર કરી છે. તેની સાથે બીસીસીઆઈએ ધોનીને મેન્ટોર બનાવવાની પણ જાહેરાત કરી છે.
ધોનીએ પાછલા વર્ષે લીધી હતી નિવૃતિ
પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ પાછલા વર્ષે નિવૃતિની જાહેરાત કરી હતી. ધોનીની આગેવાનીમાં ભારતીય ટીમ વિશ્વકપ, ટી20 વિશ્વકપ અને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી ચુકી છે. ધોની ભારતનો સૌથી સફળ કેપ્ટન છે. હવે ટી20 વિશ્વકપમાં ધોનીના અનુભવનો ફાયદો ટીમ ઈન્ડિયાને મળવાનો છે. ધોની અને કોહલીની જોડીએ ભારતને શાનદાર સફળતા અપાવી હતી.
ટી20 વિશ્વકપ માટે ભારતીય ટીમ
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રાહુલ ચાહર, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, વરૂણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી.
રિઝર્વ ખેલાડીઓઃ શ્રેયસ અય્યર, શાર્દુલ ઠાકુર, દીપક ચાહર.
એમએસ ધોનીને મળી મોટી જવાબદારી
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પૂર્વ કેપ્ટન એમએસ ધોનીને આઈસીસી ટી20 વિશ્વકપ માટે મેન્ટોરની જવાબદારી સોંપી છે. તે કોચ રવિ શાસ્રી સાથે કામ કરશે. આ રીતે ટીમ ઈન્ડિયામાં ફરી ધોનીની વાપસી થઈ છે.
શિખર ધવન બહાર
અનુભવી ઓપનર શિખર ધવનને ટી20 વિશ્વકપની ટીમમાં તક મળી નથી. ધવનને બીસીસીઆઈએ બહાર કરી દીધો છે. તો રવિચંદ્રન અશ્વિનની ચાર વર્ષ બાદ લિમિટેડ ઓવર્સ ક્રિકેટની ટીમમાં વાપસી થઈ છે. અશ્વિન છેલ્લે 2017માં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ રમ્યો હતો.
ભારતીય ટીમમાં પાંચ સ્પિનર અને ત્રણ ફાસ્ટ બોલર
બીસીસીઆઈએ વિશ્વકપ માટે જાહેર કરેલી ટીમમાં પાંચ સ્પિનરોને તક આપવામાં આવી છે. જેમાં રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, રાહુલ ચાહર, અક્ષર પટેલ અને વરૂણ ચક્રવર્તી છે. તો ફાસ્ટ બોલિંગમાં જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર અને મોહમ્મદ શમીને તક મળી છે.
ટી20 વિશ્વકપમાં ભારતનો કાર્યક્રમ
ભારત વિરુદ્ધ પાકિસ્તાન 24 ઓક્ટોબર
ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ 31 ઓક્ટોબર
ભારત વિરુદ્ધ અફઘાનિસ્તાન 3 નવેમ્બર
ભારત વિરુદ્ધ B1 5 નવેમ્બર
ભારત વિરુદ્ધ A2 8 નવેમ્બર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube