નવી દિલ્હીઃ પોતાની આગેવાનીમાં 2016મા ભારતીય કબડ્ડી ટીમને વિશ્વકપનું ટાઇટલ અપાવનાર પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ખેલાડી અનુપ કુમારે બુધવારે નિવૃતી લેવાની જાહેરાત કરી છે. પ્રો કબડ્ડી લીગની છઠ્ઠી સિઝનમાં પંચકૂલામાં લીગ દરમિયાન 36 વર્ષના અનુપે નિવૃતી લેવાની જાહેરાત કરી છે. તે આ સમયે પીકેએલમાં જયપુર પિંક પેન્થર્સની આગેવાની કરી રહ્યો છે. પરંતુ તેની ટીમ પ્લેઓફની દોડમાંથી બહાર થી ગઈ છે. તેને આ સિઝનમાં જયપુરે 30 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. નિવૃતીની જાહેરાતની સાથે અનુપ કુમારના 15 વર્ષના લાંબા કરિયરનો અંત આવી ગયો છે. ભારતીય કબડ્ડીમાં આપેલા યોગદાન માટે તેને યાદ કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્યાર સુધી મળ્યા છે ઘણા પુરસ્કાર
વર્ષ 2006મા યોજાયેલી દક્ષિણ એશિયન ગેમ્સમાં પર્દાપણ કરનાર અનુપ 2010 અને 2014મા એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી ભારતીય ટીમનો સભ્ય હતો. તેની આગેવાનીમાં ભારતે 2016મા વિશ્વકપ જીત્યો હતો. તેજ વર્ષે ભારતે દક્ષિણ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેનું 2012મા અર્જુન એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. અનુપે પીકેએલમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે પોતાની આગેવાનીમાં સિઝન-2મા યૂ મુંબાને ચેમ્પિયન બનાવ્યું હતું. તેણા પીકેએલની તમામ સિઝનમાં કુલ મળીને 91 મેચોમાં 596 પોઈન્ટ છે. 


મહત્વનું છે કે, હાલના દિવસોમાં ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન ગૌતમ ગંભીરે પણ ક્રિકેટમાંથી નિવૃતી લેવાની જાહેરાત કરી હતી.