પંતની જેમ શ્રીલંકાના ખેલાડીનો થયો ભયંકર કાર અકસ્માત, ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ
શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર લાહિરૂ થિરિમાનની કારનો અકસ્માત થયો છે. જેમાં તેને ગંભીર ઈજા થઈ છે. આ અકસ્માત આજે સવારે થયો હતો, જ્યારે તે પરિવાર સાથે ધાર્મિક સ્થળે જઈ રહ્યો હતો.
નવી દિલ્હીઃ શ્રીલંકાની ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન લાહિરૂ થિરિમાને શ્રીલંકાના અનુરાધાપુર શહેરની પાસે ગુરૂવારે સવારે એક ગંભીર અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયો છે. તેની ગાની સામે આવી રહેલા એક મિની ટ્રક સાથે અથડાઈ હતી. તેને અનુરાધાપુર ટીચિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેની ઈજા કેટલી ગંભીર છે, તે સામે આવ્યું નથી પરંતુ તેની સ્થિતિ હાલ સ્થિર ચે. ગાડીમાં સવાર ત્રણ અન્ય વ્યક્તિઓની સારવાર પણ આ હોસ્પિટલમાં ચાલી રહી છે. આ ઘટના સવારે આશરે 7.45 કલાકે બની હતી.
ધાર્મિક સ્થળે જઈ રહ્યો હતો થિરિમાને
જાણકારી અનુસાર દુર્ઘટના તે સમયે થઈ જ્યારે લાહિરૂ થિરિમાને પરિવારના સભ્યોની સાથે કોઈ ધાર્મિક સ્થળના દર્શન માટે જઈ રહ્યો હતો. થિરિમાનેએ 2010માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પર્દાપણ કર્યું હતું. તેણે શ્રીલંકા માટે 44 ટેસ્ટ, 127 વનડે અને 26 ટી20 મેચ રમી છે. ટેસ્ટમાં થિરિમાનેના નામે 2088 રન, વનડેમાં 3194 રન અને ટી20માં 291 રન છે. તે 2014માં શ્રીલંકાની ટી20 વિશ્વકપ જીત સહિત ત્રણ ટી20 વિશ્વકપ અને બે વનડે વિશ્વકપનો સભ્ય રહ્યો છે.
ભારત વિરુદ્ધ રમી અંતિમ મેચ
લાહિરૂ થિરિમાનેએ પાંચ મેચમાં શ્રીલંકાની કમાન પણ સંભાળી હતી. તે છેલ્લે માર્ચ 2022માં શ્રીલંકાની ટીમ માટે રમ્યો હતો. જુલાઈ 2023માં તેણે 13 વર્ષના પોતાના શાનદાર કરિયરને અલવિદા કહી દીધું હતું. તેણે ભારત વિરુદ્ધ પોતાની અંતિમ મેચ રમી હતી. બેંગલુરૂમાં રમાયેલી તે ટેસ્ટમાં થિરિમાનેએ 8 અને 0 રન બનાવ્યા હતા.