મોસ્કોઃ ફીફા વિશ્વ કપ 2018ના પ્રથમ ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં ફ્રાન્સે ઉરુગ્વેને 2-0થી હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. શુક્રવારે રમાયેલી આ મેચમાં રાફેલ વરાને 40મી મિનિટે પોતાની ટીમ માટે ગોલ કર્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફ્રાન્સના ડિફેન્ડરને એન્ટોની ગ્રીજમૈનનો પાસ મળ્યો જેને તેણે હેડર લગાવીને ગોલમાં ફેરવી દીધો. ઉરુગ્વેને તેની એક મિનિટ બાદ બરાબરીની તક મળી જ્યારે માર્ટિન કારેસના હેડરને ફ્રાન્સ ગોલકીપર લોરિસે પોતાની જમણી બાજુ છલાંગ લગાવીને બોલને રોકી લીધો. 


હાફ ટાઇમ સુધી ફ્રાન્સની ટીમ 1-0થી આગળ હતી. ત્યારબાદ ફ્રાન્સ તરફથી ગ્રીજમૈને 61મી મિનિટે ગોલ કરીને પોતાની ટીમને 2-0ની લીડ અપાવી દીધી. ગ્રીજમૈનના શોટ પર ઉરુગ્વેનો ગોલકીપર ચૂકી ગયો અને બોલ તેના હાથમાં લાગીને ગોલપોસ્ટમાં પહોંચી ગઈ. 


પ્રથમ હાફમાં ફ્રાન્સની ટીમે મજબૂત રમત દેખાડી અને મેચ પર પોતાની પકડ બનાવી રાખી. ફ્રાન્સે અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં શાનદાર ડિફેન્સ કરનાર ટીમ ઉરુગ્વે વિરુદ્ધ સતત હુમલા કર્યા. ટૂર્નામેન્ટમાં આ મેચ પહેલા ઉરુગ્વેએ વિપક્ષી ટીમને માત્ર એક ગોલ કરવા દીધો હતો. 


ઉરુગ્વેએ પોતાના સ્ટાર ખેલાડી એડિનસન કવાનીની ખોટ પડી જે હજુ ઈજામાંથી બહાર આવ્યો નથી. ફ્રાન્સનો મુકાબલો સેમીફાઇનલમાં બ્રાઝીલ અને બેલ્જિયમમાંથી વિજેતા ટીમ સામે થશે.