FIFA વર્લ્ડ કપઃ પેરુએ ઓસિને હરાવ્યું, ફ્રાન્સ અને ડેનમાર્ક વચ્ચેની મેચ ડ્રો
ફીફા વિશ્વ કપ 2018માં ગ્રુપ-સી-માંથી ફ્રાન્સ અને ડેનમાર્કની ટીમ અંતિમ-16માં પહોંચી ગયા છે.
મોસ્કોઃ ફીફા વિશ્વકપ 2018માં આજે (26 જૂન) સી ગ્રુપમાં બે મેચ રમાઈ હતી. એક મેચમાં પેરુએ ઓસ્ટ્રેલિયાને 2-0થી પરાજય આપ્યો હતો. પરંતુ આ બંન્ને ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. જ્યારે બીજા મેચમાં ડેનમાર્ક અને ફ્રાન્સ વચ્ચે ટક્કર હતી. આ મેચ 0-0થી ડ્રો રહ્યો હતો અને આ બંન્ને ટીમ રાઉન્ડ ઓફ 16માં પહોંચી ગઈ છે.
મંગળવારે ગ્રુપ-સીની મેચમાં પેરુએ ઓસ્ટ્રેલિયાનું આગામી રાઉન્ડમાં જવાનું સપનું તોડી દીધું હતું. પેરૂએ ફિશ્ટ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાને પોતાના સંતુલિત ખેલની મદદથી 2-0થી હરાવીને ટૂર્નામેન્ટમાંથી વિજયી વિદાય લીધી. ઓસ્ટ્રેલિયાએ આગામી રાઉન્ડમાં પહોંચવા માટે આ મેચ મોટા અંતરથી જીતવાની હતી અને ગ્રુપના બીજા મેચમાં ફ્રાન્સ સામે ડેનમાર્ક હારે તે દુઆ પણ કરવાની હતી. પરંતુ ઓસિનો પરાજય થતા તેની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે.
ડેનમાર્કે વિશ્વકપમાં ગ્રુપ સીની મેચમાં મંગળવારે અહીં પહેલા જ નોકઆઉટમાં જગ્યા બનાવી ચુકેલી ફ્રાન્સ સામે ગોલરહિત ડ્રો રમીને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ફ્રાન્સ અને ડેનમાર્ક વચ્ચે લુજનિકી સ્ટેડિયમમાં રમાયેલો આ મેચ વિશ્વકપનો પ્રથમ ગોલ રહિત ડ્રો છે. ફ્રાન્સની ટીમ 3માંથી બે મેચ જીતીને 7 અંક સાથે ગ્રુપમાં પ્રથમ સ્થાને રહી. ડેનમાર્ક 3 મેચમાં પાંચ અંક સાથે ગ્રુપ-સીમાં બીજા સ્થાને રહીને નોકઆઉટમાં પ્રવેશ કર્યો.