પેરિસઃ રાફેલ નડાલ અને તેના કટ્ટર વિરોધી રોજર ફેડરરે મંગળવારે અહીં પોત-પોતાની મેચ જીતીને ફ્રેન્ચ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટની સેમીફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન રાફેલ નડાલે જાપાનના કેઈ નિશિકોરીને 6-1, 6-1, 6-3થી પરાજય આપ્યો હતો. તેણે 12મી વખત રોલાં ગૈરાંમાં સેમીફાઇનલમાં જગ્યા બનાવી છે. પોતાના 12માં ફ્રેન્ચ ઓપન ટાઇટલ જીતવા માટે રમી રહેલા નડાલની આ ફ્રેન્ચ ઓપનમાં 91મી જીત છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્વિટ્ઝર્લેન્ડના રોજર ફેડરરે અન્ય એક ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં હમવતન સ્વિસ ખેલાડી સ્ટૈન વાવરિંકાને 7-6 (4), 4-6, 7-6 (5), 6-4થી હરાવ્યો હતો. 37 વર્ષીય ફેડરર 28 વર્ષોમાં ગ્રાન્ડસ્લેમના સેમીફાઇનલમાં પહોંચનાર સૌથી મોટી ઉંમરનો પુરૂષ ખેલાડી બની ગયો છે. રાફેલ નડાલનો રોજર ફેડરર વિરુદ્ધ 23-15નો રેકોર્ડ છે. પરંતુ આ બંન્ને વચ્ચે છેલ્લા પાંચ મુકાબલા સ્વિસ ખેલાડીના નામે રહ્યાં છે. 


આ પહેલા મહિલા સિંગલ્સમાં બ્રિટનની યોહાના કોંટાએ અમેરિકાની સ્લોઅન સ્ટીફેન્સને પરાજય આપ્યો હતો. આ સાથે કોંટા 36 વર્ષમાં ફ્રેન્ચ ઓપન સેમીફાઇનલમાં પહોંચનારી પ્રથમ બ્રિટિશ મહિલા બની ગઈ છે. ટૂર્નામેન્ટમાં 26મી વરીયતા પ્રાપ્ત કોંટાએ ગત વર્ષની રનરઅપને 6-1, 6-4થી હાર આપી હતી. સેમીફાઇનલમાં તેનો સામનો ચેક ગણરાજ્યની યુવા ખેલાડી માર્કેટા વોનડ્રોયૂસોવા કે ક્રોએશિયાની પેત્રા માર્ટિચ વચ્ચે રમાનારી ક્વાર્ટર ફાઇનલ મેચની વિજેતા સામે થશે. 


યોહાના કોંટા પહેલા જો ડૂરે 1983માં ફ્રેન્ચ ઓપનની સેમીફાઇનલમાં પહોંચનારી છેલ્લી બ્રિટિશ મહિલા ખેલાડી હતી. કોંટાની આ સિદ્ધિ વધુ ખાસ છે કારણ કે આ પહેલા તે ટૂર્નામેન્ટમાં ચાર વખત ભાગ લઈ ચુકી છે પરંતુ એકપણ મેચ જીતવામાં નિષ્ફળ રહી હતી.