પેરિસઃ વર્લ્ડ નંબર-1 રોમાનિયાની સિમોના હાલેપે વર્ષની બીજી ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટ ફ્રેન્ચ ઓપનનું ટાઇટલ પોતાના નામે કરી લીધું છે. હાલેપે શનિવારે રમાયેલી મહિલા સિંગલની ફાઇનલમાં અમેરિકાની સ્લોન સ્ટીફંસને હરાવીને પોતાનું પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યું. હાલેપે વર્લ્ડ નંબર-10 સ્ટીફંસને બે કલાક ત્રણ મિનિટ ચાલેલી મેચમાં  3-6, 6-4, 6-1થી પરાજય આપ્યો. તે 1978માં વર્જીનિયા રૂજિકિ બાદ ગ્રાન્ડ સ્લેમ જીતનારી રોમાનિયાની બીજી મહિલા ખેલાડી છે. રૂજિકિ આ સમયે હાલેપની કોચ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ હાલેપની ત્રીજી ફ્રેન્ડ ઓપન ફાઇનલ હતી, જેમાં તે જીત મેળવવામાં સફળ રહી. આ પહેલા હાલેપ 2014 અને 2017માં ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં પહોંચી હતી અને રનર્સ અપ રહી હતી. આ વખતે પણ પ્રથમ સેટ ગુમાવ્યા બાદ લાગી રહ્યું હતું કે સ્ટીફંસ જીતી જશે, પરંતુ હાલેપે શાનદાર વાપસી કરતા ટાઇટલ પોતાના નામે કર્યું હતું. તે નંબર-1 રહેતા ફ્રેન્ચ ઓપન જીતનારી ચોથી મહિલા ખેલાડી છે. 


હાલેપની આ કુલ ચોથી ગ્રાન્ડ સ્લેમ ફાઇનલ હતી. તેણે આ વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં પણ પ્રવેશ કર્યો હતો, પરંતુ ડેનમાર્કની કૈરોલિના વોજ્નિયાકી સામે હારી ગઈ હતી. 



સ્ટીફંસે પ્રથમ સેટમાં શાનદાર રમત રમી અને 6-3થી જીતી લીધો. હાલેપે બીજી સેટમાં વાપસી કરીને પ્રથમ ગેમ પોતાના નામે કરી લીધી. સ્ટીફંસે ત્યારબાદ સતત બે ગેમ જીતીને સ્કોર 2-1 કરી દીધો, પરંતુ હાલેપે વળતો પ્રહાર કર્યો અને તે 5-4થી આગળ થઈ અને આગામી ગેમ જીતીને મેચની ત્રીજા સેટમાં લઈ ગઈ. ત્રીજો સેટ એકતરફો રહ્યો જ્યાં હાલેપે 5-0ની લીડ મેળવી લીધી. સ્ટીફંસે એક ગેમ જીતી, પરંતુ આગામી ગેમ હાલેપે જીતીને ટાઇટલ પર કબજો કરી લીધો. 


ટાઇટલ જીતીને હાલેપે કહ્યું, ગત વર્ષ ખૂબ ભાવુક હતું. હું આ ક્ષણની 14 વર્ષીની ઉંમરથી રાહ જોતી હતી. હું ઈચ્છતી હતી કે ફ્રાન્સમાં આ ક્ષણ આવે. સ્લોનને શુભેચ્છા. તેણે શાનદાર રમત રહી. હાલેપે કહ્યું, મેં દર્શકોની ભીડમાં રોમાનિયાનો ધ્વજ જોયો હતો. હું મારા પરિવાર, મિત્રો અને મારા તમામ પ્રશંસકોનો આભાર વ્યક્ત કરુ છું. ઉપ-વિજેતા સ્ટીફંસે કહ્યું, સિમોનાને પ્રથમ ગ્રાન્ડ સ્લેમ માટે શુભેચ્છા. હું કોઈ બીજા સામે નહીં નંબર-1 સામે હારી છું. હું મારી ટીમનો મારો સાથ આપવા માટે આભાર વ્યક્ત કરુ છું.