સલ્યુટ છે ટીમ ઈન્ડિયા...PM મોદીથી લઈને ખડગે સુધીના નેતાઓએ પાઠવી શુભેચ્છા, જાણો કોણે શું કહ્યું?
IND vs SA Final: ભારતે ડેથ ઓવરમાં શાનદાર બોલિંગ કરીને સાઉથ આફ્રિકા પર 7 રનથી જીત હાંસલ કરી હતી. જેના કારણે પીએમ મોદી, નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધી સહિત ઘણા નેતાઓએ ટીમ ઈન્ડિયાને શુભેચ્છા પાઠવી હતી.
IND vs SA Final: ભારતે દિલધડક T20 વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવીને બીજી વખત T20 વર્લ્ડ કપ જીત્યો છે. ડેથ ઓવરોમાં મજબૂત બોલિંગના કારણે ભારતે દક્ષિણ આફ્રિકાને વિજય ઉંબરેથી પરત મોકલી દીધું હતું. આ જીત પર દેશના ઘણા નેતાઓએ ભારતને અભિનંદન પાઠવ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વીડિયો સંદેશ જારી કરીને ટીમ ઈન્ડિયાને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું, "આ ભવ્ય વિજય માટે તમામ દેશવાસીઓ તરફથી ખૂબ-ખૂબ અભિનંદન. આજે 140 કરોડ દેશવાસીઓ તમારા શાનદાર પ્રદર્શન પર ગર્વ અનુભવી રહ્યા છે. તમે રમતગમતના ક્ષેત્રમાં વર્લ્ડ કપ જીત્યો, પરંતુ દેશના ગામડાઓ અને ગલીઓમાં તમે દરેકના દિલ જીતી લીધા.
કોંગ્રેસે X પર પોસ્ટ કરીને ટીમ ઈન્ડિયાને જીત પર અભિનંદન પાઠવ્યા હતા. કોંગ્રેસે લખ્યું, "ભારતીય ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે અને દક્ષિણ આફ્રિકાને હરાવીને T20 વર્લ્ડ કપ જીત્યો છે. સમગ્ર દેશને ટીમ ઈન્ડિયા પર ગર્વ છે. દરેક ખેલાડીએ દેશને ગૌરવ અપાવ્યું છે."
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ટીમ ઈન્ડિયાને શુભેચ્છા આપતા પોસ્ટ કરીને કહ્યું કે, રોમાંચક ફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ 17 વર્ષ બાદ T20 વર્લ્ડ કપ જીત્યો. મેચમાં વિરાટ કોહલી, અક્ષર પટેલ અને અર્શદીપ સિંહ ચમક્યા હતા. દરેક ભારતીયને આ અતુલ્ય જીત પર ગર્વ છે. તમારી સિદ્ધિઓ હંમેશા ઉજવવામાં આવશે અને પ્રશંસા કરવામાં આવશે. અમે ભવિષ્યની મેચોમાં તમારા સમર્થન અને ઉત્સાહને વધારવા માટે આતુર છીએ."
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટ્વિટર પર પોસ્ટ કરીને ટીમ ઈન્ડિયાને જીત પર અભિનંદન પાઠવ્યા છે. તેમણે લખ્યું, "ભારતના લોકોને હાર્દિક અભિનંદન. 'વિશ્વ વિજેતા' ભારતીય ક્રિકેટ ટીમને અભિનંદન. જય હિંદ."
વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ટીમ ઈન્ડિયાને અભિનંદન આપતાં સૂર્ય કુમાર યાદવના કેચ, કેપ્ટન રોહિત શર્મા અને ટીમના કોચ રાહુલ દ્રવિડનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે ટ્વિટર પર પોસ્ટ કરીને કહ્યું, "વર્લ્ડ કપની શાનદાર જીત અને સમગ્ર ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન માટે ટીમ ઈન્ડિયાને અભિનંદન. સૂર્યા, કેટલો શાનદાર કેચ છે. રોહિત, આ જીત તારા નેતૃત્વનો પુરાવો છે. રાહુલ, હું જાણું છું ટીમ ઈન્ડિયાને તમારા માર્ગદર્શનની કમી અનુભવાશે."
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ ટીમ ઈન્ડિયાને જીત માટે અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું, "શાનદાર ટીમ ઈન્ડિયા. ભારતે 13 વર્ષ પછી T-20 વર્લ્ડ કપ જીતીને ઈતિહાસ રચ્યો છે. સમગ્ર દેશ માટે આ ખૂબ જ ખુશીનો પ્રસંગ છે. તમામ દેશવાસીઓ અને અમારા તમામ ખેલાડીઓને ખૂબ ખૂબ અભિનંદન."