ગાલે ટેસ્ટઃ શ્રીલંકાએ ન્યૂઝીલેન્ડને 6 વિકેટે હરાવ્યું
શ્રીલંકા ક્રિકેટ ટીમે રવિવારે અહીં રમાયેલી બે મેચોની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડને 6 વિકેટથી પરાજય આપીને 1-0ની લીડ બનાવી લીધી છે.
ગાલેઃ શ્રીલંકા ક્રિકેટ ટીમે રવિવારે અહીં રમાયેલી બે મેચોની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડને છ વિકેટે પરાજય આપીને 1-0ની લીડ મેળવી લીધી છે. યજમાન ટીમે પાંચમાં દિવસે કેપ્ટન દિમુથ કરૂણારત્નેના 122 રનની મદદથી શાનદાર જીત મેળવી હતી. કરૂણારત્નને તેની ઈનિંગ માટે મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
શ્રીલંકાએ પાંચમાં દિવસે શનિવારે પોતાના સ્કોર 133-0થી આગળ રમવાનું શરૂ કર્યું હતું. ઓપનિંગ બેટ્સમેન કરૂણારત્ને અને લાહિરૂ થિરિમાને ટીમના સ્કોરને 161 સુધી લઈ ગયા હતા. વિલિયમ સમરવિલેએ દિવસની 11મી ઓવરમાં થિરિમાને (64)ને આઉટ કરીને મહેમાન ટીમને પ્રથમ ઝટકો આપ્યો હતો. આગામી ઓવરમાં એજાઝ પટેલે કુશલ મેન્ડિસને આઉટ કરી દીધો હતો. મેન્ડિસે છ બોલમાં માત્ર 10 રન બનાવ્યા હતા.
ઓલરાઉન્ડર એન્જેલો મેથ્યૂઝે એક છેડો સાચવી રાખ્યો અને યજમાન ટીમના કેપ્ટને પોતાના ટેસ્ટ કરિયરની 9મી સદી ફટકારી હતી. આ પ્રથમવાર છે જ્યારે કરૂણારત્નેએ કોઈપણ મેચની ચોથી ઈનિંગમાં સદી ફટકારી છે. ફાસ્ટ બોલર ટિમ સાઉદીએ કરૂણારત્ને (122)ને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. પરંતુ કુસલ પરેરાએ ન્યૂઝીલેન્ડના બોલરોને પોતાની ટીમ પર હાવી થતાં રાખ્યા હતા.
પરેરા પોતાની ઈનિંગના આઠમાં બોલ પર આઉટ થઈ ગયો હતો, પરંતુ તેણે રિવ્યૂ સિસ્ટમનો ઉપયોગ કર્યો અને તે બચી ગયો હતો. એક ઓવર બાદ યજમાન ટીમે તેની વિરુદ્ધ LBWની અપીલ કરી અને અમ્પાયર દ્વારા આઉટ ન આપ્યા બાદ રિવ્યૂ લીધુ હતું. આ વખતે પણ નિર્ણય પરેરાના પક્ષમાં રહ્યો હતો. પરેરા (23)ને 250ના કુલ સ્કોર પર બોલ્ટે બોલ્ડ કર્યો, પરંતુ ત્યારે લંકા જીતની નજીક પહોંચી ગયું હતું. ત્યારબાદ મેથ્યૂઝ (28*) અને ડિ સિલ્વા (14*)એ ટીમને જીત અપાવી હતી.