ગોલ (શ્રીલંકા): ઈંગ્લેન્ડે શ્રીલંકાને શુક્રવારે પ્રથમ ટેસ્ટ ક્રિકેટ મેચમાં 211 રનથી કારમો પરાજય આપ્યો તેની વિદેશોમાં રમાયેલી છેલ્લી 13 મેચોમાં પ્રથમ જીત છે. દુનિયાના ડાબોડી સૌથી સફળ સ્પિનર રંગના હેરાથ આઉટ થનારો અંતિમ બેટ્સમેન હતો. આ તેની છેલ્લી ટેસ્ટ હતી. તેણે આ મેચ પહેલા નિવૃતી લેવાની જાહેરાત કરી દીધી હતી. આ રીતે શ્રીલંકા પોતાના આ સફળ સ્પિનરને જીત સાથે વિદાય આપવામાં નિષ્ફળ રહ્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શ્રીલંકાની સામે જીત માટે 462 રનનો લક્ષ્ય હતો, પરંતુ તેની ટીમ મેચના ચોથા દિવસે 250 રન બનાવી આઉટ થઈ ગઈ હતી. ઈંગ્લેન્ડ તરફથી મોઈન અલીએ ચાર અને જેક લીચે ત્રણ વિકેટ ઝડપી હતી. ઈંગ્લેન્ડે પ્રથમ ઈનિંગના આધારે 139 રનની લીડ મેળવી હતી અને ગુરૂવારે કીટોન જેનિંગ્સના અણનમ 146 રનની મદદથી પોતાની બીજી ઈનિંગમાં છ વિકેટ પર 322 રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો. શ્રીલંકાએ આજે સવારે વિના વિકેટે 15 રનથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. 


ઓપનિંગ બેટ્સમેન કૌશલ સિલ્વા અને દિમુથ કરૂણારત્ને પ્રથમ કલાકમાં ઈંગ્લેન્ડની દમદાર બોલિંગનો શાનદાર રીતે સામનો કર્યો હતો. પરંતુ આ બંન્ને બેટ્સમેનોએ આક્રમક શોટ્સ રમવાના પ્રયાસમાં પોતાની વિકેટ ગુમાવી હતી. કૌશલ સિલ્વા (30) અને કરૂણારત્ને (26) રન બનાવી આઉટ થયા હતા. ધનંજય ડિ સિલ્વા (21)ને બેન સ્ટોક્સે આઉટ કર્યો હતો. લંચ બાદ કુસાલ મેન્ડિસ (45) સતત બાંલા શોટ્સ ફટકારવાના પ્રયાસમાં કેચ આપી બેઠો હતો. 


સ્નાયુ ખેંચાઇ જવાને કારણે ગુરૂવારે મેદાન પર નહીં ઉતરનાર કેપ્ટન દિનેશ ચંદીમલ (11)ને લીચે બોલ્ડ કર્યો હતો. નિરોશન ડિકવેલા (16) ત્રીજા સત્રના પ્રથમ બોલ પર આઉટ થયો હતો. ત્યારબાદ 18 રનના વ્યક્તિગત સ્કોરે જીવનદાન મેળવનાર એન્જેલો મેથ્યૂસ (53) અડધી સદી ફટકાર્યા બાદ આઉટ થઈ ગયો હતો. ત્યારબાદ ધનંજય (આઠ) અને દિલરૂવાન પરેરા (30) પેવેલિયન પરત ફર્યા જ્યારે હેરાથ પાંચ રન બનાવી રનઆઉટ થયો હતો.