ગૌતમ ગંભીરની કેપ્ટનશીપમાં ક્યારેય નથી હાર્યું ભારત, બનાવ્યા છે 5 ધમાકેદાર રેકોર્ડ
ગૌતમ ગંભીર દિલ્હીની એક લોકસભા સીટ માટે આગામી ચૂંટણીમાં ઉમેદવાર બની શકે છે
નવી દિલ્હી : લોકસભા ઈલેક્શનને પગલે રાજકીય પક્ષોમાં તોડજોડનું રાજકારણ તો ચાલી જ રહ્યું છે, પણ સાથે જ અનેક મહાનુભાવોએ રાજકીય ક્ષેત્રમા એન્ટ્રી કરી છે. ત્યારે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર ભાજપમાં જોડાયા છે. ફાઈનાન્સ મિનીસ્ટર અરુણ જેટલી અને કાયદા મંત્રી રિવશંકર પ્રસાદે તેમનુ પક્ષમાં સ્વાગત કર્યું છે. પાર્ટી તેમને નવી દિલ્હી સંસદીય ક્ષેત્રથી ટિકીટ આપી શકે છે. આ સીટ મીનાક્ષી લેખી હાલ સાંસદ છે. જેમની ટિકીટ કાપીને ભાજપ ગૌતમ ગંભીરને ઈલેક્શન લડાવી શકે છે. પત્રકાર પરિષદમાં અરુણ જેટલીએ સિદ્ધુ પર નિશાન તાકતા કહ્યુ કે, એક ક્રિકેટર હતા, જે પાકિસ્તાનના હિતેચ્છુ બની ગયા પણ ગંભીરનો રેકોર્ડ તો આવો નથી રહ્યો.
ગયા વર્ષે 4 ડિસેમ્બરે ક્રિકેટને અલવિદા કહેનાર ગૌતમ ગંભીરનો સમાવેશ એવા ગણતરીના ખેલાડીઓમાં થાય છે જે ગમે ત્યારે વિરોધી પર અટેક કરી શકતા અને જરૂર પડે ત્યારે હંમેશા ડિફેન્સની દિવાલ મજબૂત કરી દેતા હતા. ગૌતમ ગંભીર જ્યારે કરિયરની ટોચ પર હતા તેમને રાહુલ દ્રવિડની જેમ જ 'બીજી દિવાલ'નું ઉપનામ મળ્યું હતું. તેમના નામે બે વિશ્વકપમાં ટોપ સ્કોરર રહેવાનો રેકોર્ડ છે. તેમણે ભારત માટે વન ડે મેચોમાં કેપ્ટનશીપ કરી હતી અને ટીમને 5-0થી જીત અપાવી હતી. ગૌતમ ગંભીરે આઇપીએલમાં શ્રેષ્ઠ કેપ્ટનશીપ કરી હતી અને કોલકાતા નાઇટરાઇડર્સને બે વાર ચેમ્પિયન બનાવી હતી. ગૌતમ ગંભીરના પાંચ ખાસ રેકોર્ડ નીચે પ્રમાણે છે.
1. ભારતીય ટીમ 2007માં દક્ષિણ આફ્રિકામાં રમાયેલી ટી20 ફાઇનલમાં ચેમ્પિયન બની હતી. આ ખિતાબ જીતવામાં ગૌતમ ગંભીરનો મહત્વનો રોલ હતો. તેણે પાકિસ્તાન સામે 14 સપ્ટેમ્બરના દિવસે રમાયેલી ફાઇનલ મેચમાં 75 રન બનાવ્યા હતા જે ટીમના કુલ સ્કોરના 50 ટકા જેટલા હતા. ભારત આ મેચ છેલ્લી ઓવરમાં પાંચ રને જીત્યું હતું.
2. ભારતીય ટીમ ટી20 વિશ્વ કપની જીત પછી લગભગ ચાર વર્ષ પછી વન ડે વર્લ્ડ કપની પણ ચેમ્પિયન બની હતી. આ મેચનો તત્કાલીન કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ સિક્સરથી અંત આવ્યો હતો. જોકે ફાઇનલની આ જીતમાં ગૌતમ ગંભીરનો સૌથી મહત્વનો રોલ હતો. આ મેચમાં ગૌતમ ગંભીરે ક્રિકેટર વિરાટ કોહલી (35) સાથે 83 રનની અને મહેન્દ્ર સિંહ ધોની (91) સાથે109 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી.
3. ગૌતમ ગંભીરને 2010માં થોડા સમય માટે ભારતીય વન ડે ટીમના કેપ્ટન તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. આ સમયે તેણે ન્યૂઝીલેન્ડ સામે સિરીઝમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને પાંચ મેચમાં 109.66ની સરેરાશથી 329 રન બનાવ્યા હતા. આ સિરીઝમાં તેને મેન ઓફ ધ સિરીઝનો અવોર્ડ આપવામાં આવ્યો હતો. ગૌતમ ગંભીર ભારતના એકમાત્ર કેપ્ટન છે જે પાંચથી વધારે વન ડેમાં કેપ્ટનશીપમાં કર્યા પછી એકપણ મેચ હાર્યા નથી. ગંભીરે છ મેચમાં કેપ્ટનશીપ કરી અને તમામ મેચમાં જીત મેળવી હતી.
4. ગૌતમ ગંભીર ભારતનો એકમાત્ર ખેલાડી છે જેણે સતત પાંચ ટેસ્ટ મેચોમાં સદી ફટકારી છે. ગૌતમ ગંભીરે 12 વર્ષની ઇન્ટરનેશનલ કરિયરમાં 58 ટેસ્ટ, 147 વન ડે અને 37 ટી20 ઇન્ટરનેશનલ મેચ રમ્યા છે.
5. ગૌતમ ગંભીરને ભારતીય ટીમમાં કેપ્ટન તરીકે વધારે તક નથી મળી પણ તેમણે આ વાતની ભરપાઈ આઇપીએલમાં કરી દીધી છે. ગૌતમે આઇપીએલની ટીમ કોલકાતા નાઇટરાઇડર્સ (કેકેઆર)ની કેપ્ટનશીપ કરી હતી અને ટીમને 2012 અને 2014માં ચેમ્પિયન બનાવી હતી. 37 વર્ષના ગૌતમ ગંભીરે 2003માં બાંગ્લાદેશ વિરૂદ્ધ પહેલી ઇન્ટરનેશનલ મેચ (વન ડે) રમી હતી અને તેની છેલ્લી ઇન્ટરનેશનલ મેચ રાજકોટ ટેસ્ટ રહી હતી.