ન્યૂયોર્કઃ ભારતે ટી20 વિશ્વકપમાં જીત સાથે શાનદાર શરૂઆત કરી છે. ટીમ ઈન્ડિયાએ પોતાની પ્રથમ મેચમાં આયર્લેન્ડને 8 વિકેટે કારમો પરાજય આપ્યો છે. ભારત હવે પોતાની બીજી મેચમાં 9 જૂને પાકિસ્તાન સામે ટકરાશે. ટોસ જીતીને કેપ્ટન રોહિત શર્માએ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આયર્લેન્ડની ટીમ પ્રથમ બેટિંગ કરતા 16 ઓવરમાં 96 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ભારતે 12.2 ઓવરમાં લક્ષ્ય હાસિલ કરી લીધો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેપ્ટન રોહિતની અડધી સદી
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને વિરાટ કોહલીના રૂપમાં ઝટકો લાગ્યો હતો. કોહલી 1 રન બનાવી માર્ક એડાયરનો શિકાર બન્યો હતો. જ્યારે કેપ્ટન રોહિત શર્માએ 37 બોલમાં 4 ચોગ્ગા અને 3 સિક્સ સાથે 52 રન બનાવ્યા હતા. રોહિત શર્મા રિટાયર્ડ હર્ટ થયો હતો. સૂર્યકુમાર યાદવ 2 રન બનાવી આઉટ થયો હતો. રિષભ પંત 26 બોલમાં 3 ફોર અને 2 સિક્સ સાથે 36 રન બનાવી અણનમ રહ્યો હતો.


આયર્લેન્ડની ઈનિંગ
આયર્લેન્ડની શરૂઆત એટલી ખરાબ રહી કે ટીમે પ્રથમ ત્રણ ઓવરની અંદર બંને ઓપનિંગ બેટરોની વિકેટ ગુમાવી દીધી હતી. કેપ્ટન પોલ સ્ટર્લિંગ 2 રન બનાવી આઉટ થયો અને એન્ડ્રયૂ બારલબર્ની પણ માત્ર પાંચ રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. આ બંને બેટરને અર્શદીપે આઉટ કર્યા હતા. પાવરપ્લે ઓવરોમાં આયર્લેન્ડનો સ્કોર 2 વિકેટના નુકસાન પર 26 રન હતો. 


લોરકાન ટકર સારા ફોર્મમાં હતો અને 10 રન બનાવી ક્રીઝ પર સેટ થઈ ગયો હતો, પરંતુ સાતમી ઓવરમાં હાર્દિક પંડ્યાએ તેને ક્લીન બોલ્ડ કરી દીધો હતો. હેરી ટેક્ટરનું બેટ ખામોશ રહ્યું,જે 16 બોલ રમી માત્ર 4 રન બનાવીશક્યો હતો. આયર્લેન્ડે 61 બોલની અંદર પોતાની 7 વિકેટ ગુમાવી દીધી હતી અને સ્કોર બોર્ડ પર માત્ર 49 રન હતા. 12મી ઓવરમાં આયર્લેન્ડે 50નો આંકડો પાર કર્યો હતો, પરંતુ આ ઓવરમાં અક્ષર પટેલે બૈરી મેક્કાર્થીની વિકેટ લીધી હતી. આ વચ્ચે જોશુઆ લિટિલ અને ગેરેથ ડેલાની વચ્ચે 27 રનની ભાગીદારી થઈ હતી. પરંતુ લિટિલ 14 રન બનાવી બુમરાહનો શિકાર બન્યો હતો. 15 ઓવર સુધી આયર્લેન્ડે 79 રન બનાવ્યા હતા અને તેની એક વિકેટ બાકી હતી.16મી ઓવરમાં ડેલાની આઉટ થતાં આયર્લેન્ડની ટીમ 96 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. 


આયર્લેન્ડનો સૌથી નાનો સ્કોર
ટી0 વિશ્વકપમાં આયર્લેન્ડનો આ બીજો સૌથી નાનો સ્કોર બની ગયો છે. આ પહેલા આયરીશ ટીમ 2010ના ટી20 વિશ્વકપમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ માત્ર 68 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. હવે તેનો ટી20 વિશ્વકપમાં આ બીજો સૌથી નાનો સ્કોર છે. ભારત તરફથી હાર્દિક પંડ્યાએ ત્રણ, બુમરાહ અને અર્શદીપે બે-બે તથા સિરાજ અને અક્ષરને એક-એક વિકેટ મળી હતી.