અમદાવાદઃ  રિંકે સિંહે યશ દયાલની અંતિમ ઓવરમાં સતત પાંચ બોલમાં પાંચ છગ્ગા ફટકારી કોલકત્તા નાઇટ રાઇડર્સને 3 વિકેટે રોમાંચક જીત અપાવી છે. કોલકત્તા નાઇટ રાઇડર્સને અંતિમ ઓવરમાં જીત માટે 29 રનની જરૂર હતી. પ્રથમ બોલ પર ઉમેશ યાદવે એક રન લીધો હતો. ત્યારબાદ રિંકુ સિંહે સતત પાંચ બોલમાં પાંચ સિક્સ ફટકારી હતી. રિંકુની અવિશ્વસનીય ઈનિંગની મદદથી ગુજરાત ટાઈટન્સે આઈપીએલ 2023માં પ્રથમ હારનો સામનો કરવો પડ્યો છે. પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે 20 ઓવરમાં 4 વિકેટે 204 રન બનાવ્યા હતા. જેના જવાબમાં કોલકત્તાએ 20 ઓવરમાં 207 રન બનાવી મેચ જીતી લીધી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંતિમ ઓવરમાં રિંકુ સિંહનો કમાલ
એક સમયે મેચ કોલકત્તાથી દૂર જતી રહી હતી. અંતિમ ઓવરમાં 29 રનની જરૂર હતી ત્યારે લાગી રહ્યું હતું કે ગુજરાત ટાઈટન્સ જીતી જશે. પરંતુ રિંકુ સિંહે અંતિમ ઓવરમાં પાંચ છગ્ગા ફટકારી દીધા હતા. રિંકુ સિંહ 21 બોલમાં છ છગ્ગા અને એક ચોગ્ગા સાથે 48 રન બનાવી અણનમ રહ્યો હતો. 


કોલત્તાની ઓપનિંગ જોડી ફોર
ગુજરાતે આપેલા મોટા લક્ષ્યનો સામનો કરવા ઉતરેલી કોલકત્તા ટીમની શરૂઆત ખરાબ રહી હતી. કોલકત્તાના બંને ઓપનર 28 રનની અંદર પેવેલિયન પરત ફરી ગયા હતા. ગુરબાઝ 15 રન બનાવી શમીનો શિકાર બન્યો હતો. જગાદીશન 6 રન બનાવી જોશુઆ લિટિલની ઓવરમાં કેચ આઉટ થયો હતો. 


કોલકત્તા તરફથી વેંકટેશ અય્યરે સૌથી વધુ રન બનાવ્યા હતા. અય્યરે 40 બોલમાં 8 ચોગ્ગા અને 5 સિક્સ સાથે 83 રન ફટકાર્યા હતા. અય્યર અલ્ઝારી જોસેફનો શિકાર બન્યો હતો. આ સિવાય કેપ્ટન નીતિશ રાણાએ 29 બોલમાં 4 ચોગ્ગા અને ત્રણ સિક્સ સાથે 45 રન બનાવ્યા હતા. 


કેપ્ટન રાશિદ ખાનની હેટ્રિક
કેપ્ટન રાશિદ ખાને ઈનિંગની 17મી અને પોતાની ચોથી ઓવરમાં હેટ્રિક ઝડપીને ગુજરાત ટાઈટન્સની વાપસી કરાવી હતી. રાશિદે પહેલા ખતરનાક આંદ્રે રસેલ (1) ને વિકેટકીપરના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. ત્યારબાદ સુનીલ નારાયણ મોટો શોટ ફટકારવાના પ્રયાસમાં આઉટ થયો હતો. રાશિદ ખાને શાર્દુલ ઠાકુરને LBW આઉટ કરીને પોતાની હેટ્રિક પૂરી કરી હતી. 


ગુજરાતની સારી શરૂઆત
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ગુજરાત ટાઈટન્સને રિદ્ધિમાન સાહા અને શુભમન ગિલે સારી શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 33 રનની ભાગીદારી કરી હતી. સાહા 17 રન બનાવી નારાયણનો શિકાર બન્યો હતો. ગુજરાતે પાવરપ્લેમાં 54 રન બનાવ્યા હતા. 


પાવરપ્લે બાદ ગિલ અને સુદર્શને ઈનિંગ સંભાળી હતી. બંનેએ બીજી વિકેટ માટે 67 રનની ભાગીદારી કરી હતી. ગિલ 31 બોલમાં 5 ચોગ્ગાની મદદથી 39 રન બનાવી આઉટ થયો હતો. સાઈ સુદર્શને સતત બીજી મેચમાં અડધી સદી ફટકારી હતી. સુદર્શને 38 બોલમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગા સાથે 53 રન બનાવી આઉટ થયો હતો. અભિનવ મનોહર 14 રન બનાવી આઉટ થયો હતો. 


વિજય શંકરની આક્રમક ઈનિંગ
હાર્દિક પંડ્યાની જગ્યાએ પ્લેઇંગ 11માં સામેલ વિજય શંકરે અંતિમ ઓવરોમાં આક્રમક બેટિંગ કરી હતી. વિજય શંકરે માત્ર 24 બોલમાં અણનમ 63 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઈનિંગમાં ચાર ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા. કોલકત્તા તરફથી નારાયણે ત્રણ અને સુયશ શર્માએ એક વિકેટ લીધી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube