GT vs MI: ગુજરાત મારૂ જન્મસ્થળ છે પરંતુ ક્રિકેટમાં મારો જન્મ.... આ શું બોલ્યો હાર્દિક પંડ્યા
IPL 2024: હાર્દિક પંડ્યા જ્યારે ટોસ માટે મેદાનમાં ઉતર્યો તો દર્શકોએ રોહિત-રોહિત નારા લગાવ્યા હતા. ટોસ બાદ હાર્દિકે ગુજરાત અને મુંબઈ વિશે વાત કરી હતી. હવે હાર્દિકનો મોહ ગુજરાતથી ભરાઈ ગયો લાગે છે. હવે એને ગુજરાતી હોવાનો ગર્વ નથી...
અમદાવાદઃ હાર્દિક પંડ્યાની આગેવાનીમાં રવિવારે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પ્રથમવાર મેદાનમાં ઉતરી હતી. એમઆઈની ટક્કર ગુજરાત ટાઈટન્સ સામે હતી. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ટોસ સમયે કહ્યું કે તેનું જન્મસ્થાન ગુજરાત છે પરંતુ ક્રિકેટમાં જન્મ મુંબઈમાં થયો. હાર્દિક પંડ્યાએ બે સીઝન ગુજરાતની કમાન સંભાળી હતી, પરંતુ આઈપીએલ 2024 પહેલા તે મુંબઈમાં સામેલ થઈ ગયો હતો. હાર્દિકે 2015માં મુંબઈ ઈન્ડિયન્સ સાથે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તે 2022માં ગુજરાત ટાઈટન્સમાં જોડાયો હતો.
મુંબઈએ આઈપીએલની 17મી સીઝન પહેલા રોહિત શર્માને હટાવી હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો હતો. રોહિતની આગેવાનીમાં મુંબઈ ઈન્ડિયન્સ પાંચ વખત ચેમ્પિયન બની હતી. હાર્દિક પ્રથમવાર મુંબઈના કેપ્ટનના રૂપમાં ઉતરીને ખુશ જોવા મળી રહ્યો હતો. ટોસ જીત્યા બાદ રવિ શાસ્ત્રી સાથે વાત કરતા હાર્દિકે કહ્યું- પરત આવી સારૂ લાગી રહ્યું છે. મારૂ જન્મસ્થળ ગુજરાત છે. ગુજરાતમાં ખુબ સફળતા મળી. હું દર્શકો અને આ રાજ્યનો ખુબ આભારી છું. મારો ક્રિકેટમાં જન્મ મુંબઈમાં થયો અને ત્યાં જઈને ખુબ સારૂ લાગી રહ્યું છે.
લાગ્યા રોહિત-રોહિતના નારા
હાર્દિક પંડ્યા જ્યારે ટોસ કરવા પહોંચ્યો તો દર્શકોએ રોહિત-રોહિતના નારા લગાવ્યા હતા. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થઈ રહ્યાં છે, જેમાં દર્શકો નારેબાજી કરી રહ્યાં છે. એટલું જ નહીં જ્યારે હાર્દિક બોલિંગ કરવા આવ્યો તો પણ ફેન્સ હાર્દિકનું હુટિંગ કરી રહ્યાં હતા. નોંધનીય છે કે હાર્દિકને કેપ્ટન બનાવતા રોહિત શર્માના ફેન્સ ખુબ નારાજ છે. હાર્દિક પંડ્યા સામે સતત વિરોધ વધતો જાય છે. આ ગુજરાતે જ ક્રિકેટનો કક્કો શિખવ્યો છે. ગુજરાતની ભૂમિ પર ક્રિકેટ શિખ્યા બાદ તે મોટો થયો છે. આ ગુજરાતીઓએ જ ગુજરાતના ક્રિકેટર તરીકે માન આપ્યું છે. હવે એ મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બનતાં તેના તેવર બદલાઈ ગયા છે.