GT vs RR: શિમરોન હેટમાયરની તોફાની અડધી સદી, રોમાંચક મેચમાં રાજસ્થાન સામે હાર્યું ગુજરાત ટાઈટન્સ
IPL 2023: રાજસ્થાન રોયલ્સે પ્રથમવાર ગુજરાત ટાઈટન્સને પરાજય આપવામાં સફળતા મેળવી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આઈપીએલ મેચમાં રાજસ્થાને ગુજરાતને પરાજય આપી પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવી લીધું છે.
અમદાવાદઃ રાજસ્થાન રોયલ્સે ગુજરાત ટાઈટન્સને એક રોમાંચક મુકાબલામાં ત્રણ વિકેટથી પરાજય આપ્યો છે. ગુજરાત ટાઈટન્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 177 રન બનાવ્યા હતા. જેના જવાબમાં રાજસ્થાન રોયલ્સે ચાર બોલ બાકી રહેતા મેચ પોતાના નામે કરી લીધી હતી. આ જીત સાથે રાજસ્થાન રોયલ્સની ટીમ 5 મેચમાં ચાર જીત સાથે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. જ્યારે ગુજરાત ટાઈટન્સે બીજી હારનો સામનો કરવો પડ્યો છે.
ગુજરાત દ્વારા મળેલા 178 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સની શરૂઆત ખરાબ રહી. ટીમે ત્રણ ઓવરની અંદર બંને ઓપનિંગ બેટરની વિકેટ ગુમાવી દીધી હતી. યશસ્વી જાયસવાલ બીજી ઓવરમાં 1 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ ત્રીજી ઓવરમાં બટલર શૂન્ય રને આઉટ થયો હતો. દેવદત્ત પડિક્કલ 25 બોલમાં 26 રન બનાવી આઉટ થયો હતો. રિયાન પગાર ફરી સસ્તામાં આઉટ થયો હતો. સંજૂ સેમસને શિમરોન હેટમાયરની સાથે મળી પાંચમી વિકેટ માટે 50થી વધુ રનની ભાગીદારી કરી હતી. કેપ્ટન સંજૂ સેમસન 32 બોલમાં 60 રન બનાવી આઉટ થયો હતો. સંજૂએ પોતાની ઈનિંગમાં 6 સિક્સ અને ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા.
શિમરોન હેટમાયર 26 બોલમાં પાંચ સિક્સ અને બે ચોગ્ગા સાથે 56 રન બનાવી અણનમ રહ્યો હતો. ધ્રુવ જુરેલે 10 બોલમાં 18 રન ફટકાર્યા હતા. તો અશ્વિને ત્રણ બોલમાં એક ફોર અને એક સિક્સ સાથે 10 રનનું યોગદાન આપ્યું હતું.
ડેવિડ મિલરના 46 અને શુભમન ગીલના 45 રનની ઇનિંગ બાદ પણ રાજસ્થાન રોયલ્સે રવિવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ T20 મેચમાં ગુજરાત ટાઇટન્સને સાત વિકેટે 177 રન પર રોકી દીધી હતી. મિલરે તેની 30 બોલની ઇનિંગ્સમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. ગિલે તેની 34 બોલની ઇનિંગ્સમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગો મારવા ઉપરાંત ત્રીજી વિકેટ માટે કેપ્ટન હાર્દિક પંડ્યા સાથે 33 બોલમાં 59 રનની ભાગીદારી કરી હતી. પંડ્યાએ 19 બોલમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 28 રન બનાવ્યા હતા.
છેલ્લી ઓવરમાં અભિનવ મનોહરે 13 બોલમાં ત્રણ છગ્ગાની મદદથી 27 રન ફટકારીને ટીમનો સ્કોર 170ને પાર પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે મિલર સાથે પાંચમી વિકેટ માટે 22 બોલમાં 45 રનની ભાગીદારી કરી હતી. ટીમે છેલ્લી ચાર ઓવરમાં 52 રન ફટકાર્યા હતા. છેલ્લી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે મહેન્દ્ર સિંહ ધોનીની સામે શાનદાર બોલિંગ કરનાર સંદીપ શર્માએ ફરી એકવાર પ્રભાવિત કરીને ચાર ઓવરમાં 25 રન આપીને બે વિકેટ ઝડપી હતી. ટ્રેન્ટ બોલ્ટ, એડમ ઝમ્પા અને યુઝવેન્દ્ર ચહલને એક-એક સફળતા મળી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube