ચેન્નઈઃ ગુજરાતની મહિલા અન્ડર-19 ટીમે BCCI મહિલા અન્ડર-19 ટી20 ટ્રોફીમાં મિઝોરમને 145 રને હરાવી નોકઆઉટમાં પ્રવેશ કરી લીધો છે. ગુજરાતની અન્ડર-19 મહિલા ટીમની આ સતત ચોથી જીત છે. ગુજરાતની મહિલા ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટે 189 રન ફટકાર્યા હતા. જેના જવાબમાં મિઝોરમની મહિલા અન્ડર-19 ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 44 રન બનાવી શકી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત તરફથી ચાર્લી સોલંકીએ 47 બોલમાં 11 ચોગ્ગા અને બે સિક્સ સાથે 75 રન ફટકાર્યા હતા. જ્યારે શ્રેયા ખલાસીએ 48 બોલમાં 8 ચોગ્ગા સાથે 53 રન ફટકાર્યા હતા. આ બંને બેટરોની અડધી સદીની મદદથી ગુજરાતની ટીમ 189 રન બનાવવામાં સફળ રહી હતી. ગુજરાતની અન્ડર-19 મહિલા ટીમની આ સતત ચોથી જીત છે. 


ગુજરાતે આપેલા મોટા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મિઝોરમની અન્ડર-19 મહિલા ટીમે નિયમિત અંતરે વિકેટ ગુમાવી હતી. મિઝોરમની ટીમ 20 ઓવરમાં માત્ર 44 રન બનાવી શકી હતી. ગુજરાત તરફથી વાત કરવામાં આવે તો સંચિતા ચાંગલાનીએ 3 ઓવરમાં 8 રન આપી ત્રણ વિકેટ લીધી હતી. આ સિવાય નિધિ દેસાઈને બે, જિયા જૈનને 2 તથા યશ્વી માલમને બે વિકેટ મળી હતી. 


ગુજરાતની મહિલા અન્ડર-19 ટીમે આ સતત ચોથી જીત મેળવી છે અને એક લીગ મેચ બાકી છે પરંતુ ટીમે શાનદાર પ્રદર્શન કરી નોકઆઉટમાં પ્રવેશ કરી લીધો છે. 


વિનુ માંકડ ટ્રોફીમાં ગુજરાતની અન્ડર-19 ટીમની જીત
વિનુ માંકડ ટ્રોફીમાં આજે ગુજરાતની અન્ડર-19 ટીમનો મુકાબલો મણિપુર સામે હતો. જેમાં ગુજરાતે 9 વિકેટે જીત મેળવી છે. મણિપુરની અન્ડર-19 ટીમ પ્રથમ બેટિંગ કરતા 26.5 ઓવરમાં 77 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ગુજરાતે 11.3 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 78 રન બનાવી લીધા હતા અને 9 વિકેટે જીત મેળવી હતી. 


ગુજરાત તરફથી મીત પટેલે 7 ઓવરમાં 4 રન આપી ત્રણ વિકેટ લીધી હતી. આ સિવાય રૂદ્ર પટેલને પણ ત્રણ સફળતા મળી હતી. આ સિવાય રૂદ્ર પટેલે અણનમ 29 અને મૌલ્યરાજ સિંહે અણનમ 38 રન બનાવ્યા હતા.