પંતની સદી ગઈ એળે, હૈદરાબાદે દિલ્હીને 9 વિકેટે હરાવ્યું, પ્લેઓફમાં જગ્યા નક્કી
પૂર્વ ચેમ્પિયન સનરાઈઝર્સ હૈદરાબાદ અને દિલ્હી ડેરડેવિલ્સ વચ્ચે રમાયેલી આઈપીએલની 11મી સીઝનની 42મી મેચમાં આજે રાજધાની દિલ્હીના ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમમાં રમાઈ.
નવી દિલ્હી: પૂર્વ ચેમ્પિયન સનરાઈઝર્સ હૈદરાબાદ અને દિલ્હી ડેરડેવિલ્સ વચ્ચે રમાયેલી આઈપીએલની 11મી સીઝનની 42મી મેચમાં આજે રાજધાની દિલ્હીના ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમમાં રમાઈ. ઋષભ પંત શાનદાર (અણનમ 128) સદી ફટકારતા દિલ્હીએ મહત્વપૂર્ણ મેચમાં હૈદરાબાદને 188 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. દિલ્હીએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો ફેસલો લીધો અને પંતની પહેલી આઈપીએલ સદીના દમ પર 20 ઓવરોમાં પાંચ વિકેટના નુકસાન પર 187 રન કર્યાં. પંતે આઈપીએલમાં પોતાની પહેલી સદી ફટકારી અઆને કોઈ પણ સત્રમાં કોઈ પણ બેટ્સમેનનો આ સર્વોચ્ચ સ્કોર પણ છે. તેણે સિદ્ધાર્થ કોલના બોલ પર 19મી ઓવરમાં ચોગ્ગો ફટકારીને પોતાની સદી પૂરી કરી. જો કે પંતની આ મહત્વની સદી એળે ગઈ અને હૈદરાબાદે શાનદાર જીત હાંસલ કરી. હૈદરાબાદે 18.5 ઓવરોમાં જ માત્ર એક વિકેટ ગુમાવીને 191 કરી નાખતા 9 વિકેટે જીત મેળવી અને શાનથી પ્લેઓફમાં પ્રવેશ કર્યો. જ્યારે દિલ્હી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું.
18.5 ઓવરોમાં જ ટાર્ગેટ પૂરો કર્યો
હૈદરાબાદના ઓપનર શિખર ધવનના આક્રમક 92 રનની મદદથી હૈદરાબાદે સરળતાથી ટારગેટ હાંસલ કર્યો. હેલ્સની એકમાત્ર વિકેટ હૈદરાબાદે ગુમાવી. હેલ્સ 14 રન કરીને આઉટ થયો. જ્યારે શિખર ધવને 9 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 50 બોલમાં 92 રન કર્યાં. કેન વિલિયમસને પણ સારી ઈનિંગ રમતા 53 બોલમાં 83 રન ફટકાર્યાં. દિલ્હી તરફથી એકમાત્ર સફળતા હર્ષલ પટેલને મળી હતી. જેણે હેલ્સની વિકેટ લીધી. બાકી તમામ બોલરો સંઘર્ષ કરતા જોવા મળ્યાં.
દિલ્હીએ ઋષભ પંતની સદીની મદદથી 188 રનનો આપ્યો હતો ટાર્ગેટ
દિલ્હીએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. જો કે ટીમના બેટ્સમેનો સારી રમતનું પ્રદર્શન કરવામાં નિષ્ફળ ગયા હતાં. જો કે ઋષભ પંતે એક છેડો સાચવી રાખીને ટીમના સ્કોરને 187 રને પહોંચાડવામાં મદદ કરી હતી. દિલ્હીની ટીમે પાવરપ્લેમાં બે વિકેટના નુકસાને 36 રન કર્યાં હતાં. પૃથ્વી અને જેસન પેવેલિયન ભેગા થતા ટીમને સંભાળવા માટે ઋષભ અને કેપ્ટન શ્રેયસ અય્યર આવ્યાં. જેમણે 22 રન જોડીને ટીમના સ્કોરને 43 સુધી પહોંચાડ્યો. શ્રેયસ એક ભૂલના કારણે સંદીપના બોલ પર આઉટ થઈ ગયો. દિલ્હી પોતાના દાવમાં 10 ઓવરમાં માત્ર 52 રન જ કરી શકી હતી. ત્યારબાદ ઋષભ પંતે હર્ષ પટેલ સાથે મળીને ટીમની લડખડાતી ઈનિંગને સંભાળવાની કોશિશ કરી. બંનેએ ચોથી વિકેટ માટે 55 રનની ભાગીદારી કરી અને ટીમના સ્કોરને 98 પર પહોંચાડ્યો હતો. જો કે ત્યારબાદ હર્ષલ રન આઉટ થઈ ગયો.
ઋષભે એક છેડો સાચવી રાખ્યો હતો. હર્ષદ બાદ ગ્લેન મેક્સવેલ આવ્યો. ખરાબ ફોર્મમાં હોવા છતાં તેણે ઋષભને સાથ આપ્યો અને પાંચમી વિકેટની ભાગીદારીમાં બંનેએ 63 રન જોડ્યાં જો કે મેક્સવેલના તો 9 રન જ હતાં. ત્યારબાદ હેલ્સના હાથે આઉટ થઈ ગયો. પંતે ભુવનેશ્વર દ્વારા ફેકવામાં આવેલી છેલ્લી ઓવરમાં 26 રન લીધા અને દિલ્હીના સ્કોરને 187 સુધી પહોંચાડ્યો. ઋષભે 63 બોલનો સામનો કરીને 15 ચોગ્ગા અને સાત છગ્ગા ફટકાર્યા હતાં. આ વખતે હૈદરાબાદના શાનદાર બોલરમાં સામેલ રાશિદ ખાનને એક પણ વિકેટ મળી નહીં. શાકિબે સૌથી વધુ બે વિકેટ લીધી. ભુવનેશ્વરને એક વિકેટ મળી.