ઝિમ્બાબ્વે ક્રિકેટ ટીમના કેપ્ટને નિવૃતીની કરી જાહેરાત, આ મામલામાં છે વિરાટથી આગળ
હેમિલ્ટન મસાકાડઝાને ઝિમ્બાબ્વે દિગ્ગજ ક્રિકેટરોમાં સામેલ કરવામાં આવે છે. તે પોતાની ટીમ માટે 18 વર્ષથી રમી રહ્યો છે અને આ દરમિયાન તેણે ઘણા રેકોર્ડ બનાવ્યા છે.
નવી દિલ્હીઃ થોડા સમય પહેલા ઝિમ્બાબ્વે ક્રિકેટ ટીમ પર આઈસીસીએ પ્રતિબંધ લગાવી દીધો હતો અને ત્યારબાદ તે ટીમના ખેલાડીઓએ ક્રિકેટને અલવિદા કહેવાનું શરૂ કરી દીધુ હતું. હવે ટીમના કેપ્ટન તથા અનુભવી બેટ્સમેન હેમિલ્ટન મસાકાડઝાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતી લેવાની જાહેરાત કરી દીધી છે. તેના આ નિર્ણય બધાને ચોંકાવી દીધા છે. હેમિલ્ટન બાંગ્લાદેશ વિરુદ્ધ રમાનારી ટ્રાઈ સિરીઝ બાદ ક્રિકેટને અલવિદા કહી દેશે. તેના આ નિર્ણયની જાણકારી ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડે પોતાના ટ્વીટર પર આપી છે.
હેમિલ્ટન મસાકાડઝાને ઝિમ્બાબ્વે દિગ્ગજ ક્રિકેટરોમાં સામેલ કરવામાં આવે છે. તે પોતાની ટીમ માટે 18 વર્ષથી રમી રહ્યો છે અને આ દરમિયાન તેણે ઘણા રેકોર્ડ બનાવ્યા છે. 36 વર્ષના હેમિલ્ટને 17 વર્ષની ઉંમરમાં ટેસ્ટમાં સદી ફટકારી હતી. તેણે 2001મા વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ હરારેમાં 119 રન બનાવ્યા હતા અને આટલી નાની ઉંમરમાં ટેસ્ટ સદી ફટકારનાર ઝિમ્બાબ્વેનો અને વિશ્વનો ચોથો ખેલાડી બન્યો હતો. ત્યારબાદ તેણે પોતાનો અભ્યાસ પૂરો કરવા માટે ક્રિકેટથી 3 વર્ષનો બ્રેક લીધો હતો. ત્યારબાદ જ્યારે તે પરત ફર્યો ત્યારે તે ફોર્મમાં નહતો અને તેને ટીમમાં તક ન મળી.
વિરાટ કોહલીએ 7 વર્ષના નાના ફેન પાસે લીધો ઓટોગ્રાફ, વીડિયો વાયરલ
હેમિલ્ટને 209 વનડે મેચોમાં 27.73ની એવરેજથી 5658 રન બનાવ્યા અને તેના નામ પર 5 સદી અને 34 અડધી સદી છે. વનડેમાં તેનો બેસ્ટ સ્કોર અણનમ 178 રન છે. વનડેમાં એક રેકોર્ડ એવો છે જેમાં તેનું નામ વિરાટ કોહલીથી પણ ઉપર છે. હકીકતમાં પાંચ મેચોની દ્વિપક્ષીય વનડે સિરીઝમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પાકિસ્તાનના ફખર જમાનના નામે છે. ફખર આ મામલામાં 515 રનની સાથે પ્રથમ સ્થાન પર છે જ્યારે હેમિલ્ટન 467 રનની સાથે બીજા સ્થાને છે. તો ત્રીજા સ્થાન પર વિરાટ કોહલી છે જેણે પાંચ મેચોની વનડે સિરીઝમાં કુલ 453 રન બનાવ્યા છે.