બેડમિન્ટનઃ ચીનની હેન યુઈ બની ચેમ્પિયન, ફાઇનલમાં સાઇનાનો થયો પરાજય
ત્રણ વખતની પૂર્વ ચેમ્પિયન સાઇના નેહવાલનો નવમી સૈયદ મોદી ઈન્ટરનેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપના ફાઇનલમાં પરાજય થયો હતો.
નવી દિલ્હીઃ ચીનની હેન યુઈ સૈયદ મોદી ઈન્ટરનેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપની નવી ચેમ્પિયન બની ગઈ છે. તેણે ભારતની સ્ટાર શટલર સાઇના નેહવાલને 21-18, 21-18થી હરાવીને ટાઇટલ પર કબજો કર્યો છે. સાઇનાની પાસે આ ટાઇટલ ચોથીવાર જીતવાની તક હતી, પરંતુ ચીની શટલરે તેની આશા પર પાણી ફેરવી દીધું હતું. બીજીતરફ પુરૂષ ડબલ્સના ફાઇનલમાં સાત્વિકસાઈરાજ રેંન્કી રેડ્ડી અને રિચા શેટ્ટીની જોડીને હારનો સામનો કરવો પડ્યો છે. સાઈનાએ આ ટાઇટલ 2009, 2014, અને 2015માં જીત્યું હતું.
બીજી ક્રમાંકિત સાઇના નેહવાલ અને ચીનની હેન યુઈ લખનઉમાં રમાઈ રહેલી બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં આમને-સામનો હતી. સાઇના નેહવાલનો વર્લ્ડ રેન્ક નવ અને યુઈનો રેન્ક 27 છે. ટૂર્નામેન્ટમાં પ્રદર્શન અને રેન્કિંગ પ્રાણે સાઇનાને જીતની દાવેદાર માનવામાં આવતી હતી. સાઇના નેહવાલે આશા પ્રમાણે મેચની શરૂઆત કરી, પરંતુ પૂરો ન કરી શકી. આ બંન્ને ખેલાડીઓ વચ્ચે પ્રથમ મેચ હતો જેન યુઈએ આ મેચ જીતીને સાઇના વિરુદ્ધ કરિયરનો રેકોર્ડ 1-0 કરી લીધો છે.
ગોલ્ડકોસ્ટ કોમનવેલ્થ ચેમ્પિયન સાઇનાએ પ્રથમ ગેમમાં લીડ મેળવી એક સમયે તે 11-9થી આગળ ચાલી રહી હતી. ત્યારે હેન યુઈએ શાનદાર વાપસી કરી અને બાજી પલ્ટી દીધી હતી. હેન યુઈ 15-18થી પાછળ રહ્યાં બાદ સતત છ પોઈન્ટ જીતી પ્રથમ ગેમ પોતાના નામે કરી લીધી હતી. તેણે આ ગેમ 21-18થી જીતી હતી. હેન યુઈએ બીજી ગેમ શરૂ થતા લીડ મેળવી અને આસાનીથી ગેમ અને મેચ જીતી લીધો હતો. આ મુકાબલો માત્ર 34 મિનિટ ચાલ્યો હતો.
ચીની જોડીએ જીત્યો ડબલ્સનો ખિતાબ, રેંકી રેડ્ડી-ચિરાગને હરાવ્યા
આ પહેલા પુરૂષ ડબલ્સમાં સાત્વિકસાઇરાજ રેંકી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીનો ફાઇનલમાં પરાજય થયો હતો. ભારતીય જોડીને ઓઉ જુઆનયી અને ફેંગ જેઇંગની જોડીએ પરાજય આપ્યો હતો. ચીની જોડીએ આ મેચ 33 મિનિટમાં 22-20, 21-10થી જીતી હતી.