નવી દિલ્હી: મહેન્દ્ર સિંહ ધોની, ભારતમાં જ નહીં પરંતુ આખી દુનિયામાં ભાગ્યે જ કોઈ ક્રિકેટ પ્રેમી એવો હશે જે આ નામથી અજાણ હોય. મહેન્દ્ર સિંહ ધોનીએ ભલે ક્રિકેટ કારકિર્દીમાંથી નિવૃતિ લઈ લીધી હોય, કેપ્ટનશીપ છોડી દીધી હોય પરંતુ તેનો રેકોર્ડ આજે પણ પહેલાં જેવો જ છે. વિરાટ કોહલી ભલે આજે ભારતીય ટીમનો કેપ્ટન હોય પરંતુ મહેન્દ્ર સિંહ ધોનીની કમી આજે પણ દર્શકોને ક્રિકેટના મેદાન પર જોવા મળે છે. ધોની 41 વર્ષનો થઈ ગયો છે. આ 41 વર્ષમાં ધોનીએ પોતાના જીવનમાં અનેક ઉતાર ચઢાવ જોયા. અર્શથી ફર્શ સુધીની સફર ધોની માટે સરળ ન હતી. ધોનીના જન્મદિવસ પર અમે તમને તેના જીવન વિશે કેટલીક એવી વાતો જણાવીશું જે તમે જાણતા નહીં હોય.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ICCની ત્રણેય ટ્રોફી પર કબ્જો કરનાર કેપ્ટન:
મહેન્દ્ર સિંહ ધોની એકમાત્ર એવો કેપ્ટન છે, જેણે ICCની ત્રણેય મોટી ટ્રોફી પર કબ્જો કર્યો છે. ધોનીની કેપ્ટનશીપમાં ભારત ICC વર્લ્ડ ટી-20, ક્રિકેટ વર્લ્ડકપ અને ICC ચેમ્પિયંસ ટ્રોફીનું ટાઈટલ જીતવામાં સફળ રહ્યો.


ફૂટબોલ અને બેડમિન્ટન સાથે પ્રેમ:
ધોનીની પહેલી પસંદ ફૂટબોલ હતી. ધોની સ્કૂલની ટીમમાં ગોલકિપર હતો. ફૂટબોલ સાથે તેનો પ્રેમ જગજાહેર છે. ઈન્ડિયન સુપર લીગમાં ધોનીએ ચેન્નઈ એફસીની ટીમ ખરીદી છે. ફૂટબોલ પછી બેડમિન્ટન પણ ધોનીની પસંદગીની રમત છે.



રેસિંગ સાથે ખાસ લગાવ:
આ રમત સિવાય ધોનીને મોટર રેસિંગ સાથે ખાસ લગાવ છે. તેણે મોટર રેસિંગમાં માહી રેસિંગ ટીમ નામની એક ટીમ પણ ખરીદી છે.


જોન અબ્રાહમના વાળનો દીવાનો:
ધોની પોતાના વાળની સ્ટાઈલ માટે જાણીતો છે. ક્યારેક લાંબા વાળ માટે જાણીતો ધોની સમયાંતરે પોતાની હેર સ્ટાઈલ બદલતો રહ્યો છે. પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી પરવેઝ મુશર્રફ પણ ધોનીના વાળની પ્રશંસા કરી ચૂક્યા છે. પરંતુ શું તમને ખબર છે કે ધોની ફિલ્મ સ્ટાર જોન અબ્રાહમના વાળનો દીવાનો રહ્યો છે.


સેનામાં ભરતી થવાનું સપનું સાકાર થયું:
ધોની 2011માં ભારતીય સેનામાં માનદ લેફ્ટનન્ટ કર્નલ બનાવવામાં આવ્યો. ધોની અનેકવાર કહી ચૂક્યો છે કે ભારતીય સેનામાં જવાનું તેનું બાળપણનું સપનું હતું. ધોની અવારનવાર બોર્ડર પર સૈનિકો સાથે જઈને પોતાનો સૈન્ય પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતો રહે છે.


પેરા રેજિમેન્ટમાં પેરા જમ્પ લગાવનાર પહેલો સ્પોર્ટ્સ પર્સન:
2015માં આગ્રા સ્થિત ભારતીય સેનાના પેરા રેજિમેન્ટમાં પેરા જમ્પ લગાવનાર પહેલો સ્પોર્ટ્સ પર્સન બન્યો. તેણે પેરા ટ્રૂપર ટ્રેનિંગ સ્કૂલથી ટ્રેનિંગ લીધા પછી 15,000 ફૂટની ઉંચાઈએથી પાંચ છલાંગ લગાવી, જેમાં એક છલાંગ રાત્રે લગાવી હતી.



મોટરબાઈક સાથે પ્રેમ:
મહેન્દ્ર સિંહ ધોની મોટરબાઈક્સનો દીવાનો છે. તેની પાસે બે ડઝન આધુનિક મોટર બાઈક છે. તે ઉપરાંત તેને કારનો પણ શોખ છે. તેની પાસે હમર જેવી અનેક મોંઘી કાર પણ છે.


અનેક અભિનેત્રીઓ સાથે નામ જોડાયું:
ધોનીનું નામ અનેક મોટી અભિનેત્રીઓ સાથે જોડાયું. પરંતુ તેણે 4 જુલાઈ 2010ના રોજ દહેરાદૂનમાં સાક્ષી રાવત સાથે લગ્ન કરી લીધા. ધોની અને સાક્ષીની એક પુત્રી છે. તેનું નામ ઝીવા છે.


 પહેલી નોકરી ભારતીય રેલવેમાં:
ધોનીએ ક્રિકેટર તરીકે પહેલી નોકરી ભારતીય રેલવેમાં ટિકિટ કલેક્ટર તરીકે મળી. તેના પછી તે એર ઈન્ડિયાની નોકરી કરવા લાગ્યો. ત્યારબાદ તે એન.શ્રીનિવાસનની કંપની ઈન્ડિયા સીમેન્ટ્સમાં અધિકારી બની ગયો.


સૌથી વધારે કમાણી કરનારો ક્રિકેટર:
ધોની દુનિયાભરમાં સૌથી વધારે કમાણી કરનારો ક્રિકેટર રહ્યો છે. ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કરતાં પહેલા તેની વાર્ષિક કમાણી 150થી 190 કરોડ રૂપિયા હતી. જેમાં હજુ કંઈ ખાસ ઘટાડો થયો નથી.



IPLમાં સક્રિય છે ધોની:
મહેન્દ્ર સિંહ ધોનીએ ભલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ લઈ લીધી હોય પરંતુ IPL એટલે કે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં તે ચેન્નઈ સુપરકિંગ્સ તરફથી રમી રહ્યો છે. IPLમાં તેના નામે 234 મેચમાં 136.6ના સ્ટ્રાઈક રેટથી 4978 રન બનાવ્યા છે.


ધોનીની આંતરરાષ્ટ્રીય કારકિર્દી:
મહેન્દ્ર સિંહ ધોનીએ 350 વન-ડે ઈન્ટરનેશનલમાં 50.57ની એવરેજથી 10773 રન બનાવ્યા. જેમાં 10 સદી અને 73 અર્ધસદીનો સમાવેશ થાય છે. વન-ડેમાં તેનો બેસ્ટ સ્કોર અણનમ 183 રન છે. વિકેટની પાછળ તેણે 444 શિકાર કર્યા.  ધોનીએ 90 ટેસ્ટ મેચમાં 38.09ની એવરેજથી 38.09થી એવરેજથી 4876 રન બનાવ્યા. જેમાં 6 સદી અને 33 અર્ધસદીનો સમાવેશ થાય છે. તેનો સર્વોચ્ય સ્કોર 224 રન રહ્યો. વિકેટની પાછળ 294 શિકાર તેના નામે છે. આ સિવાય 98 ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં 37.60ની એવરેજથી 1617 રન બનાવ્યા. જેમાં 2 અર્ધસદીનો સમાવેશ થાય છે. તેનો સર્વોચ્ય સ્કોર 56 રન રહ્યો. વિકેટની પાછળ તેણે 91 શિકાર કર્યા.