મને માફ કરજો... હરભજન સિંહને રીલ બનાવવી મોંઘી પડી! ભારે વિરોધ બાદ માંગી માફી
Harbhajan Singh: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર હરભજન સિંહે વાયરલ વીડિયો બાદ વિવાદ ઉભો થતાં માફી માંગી છે. ભજ્જીએ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સની ફાઈનલ જીત્યા બાદ એક વીડિયો શેર કર્યો હતો, જેને લઈ વિવાદ થયો હતો.
નવી દિલ્હીઃ લિજેન્ડ્સ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સની ફાઈનલમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું હતું. ફાઈનલમાં જીત બાદ કેટલાક પૂર્વ ક્રિકેટર, જેમાં હરભજન સિંહ, સુરેશ રૈના અને યુવરાજ સિંહે સોશિયલ મીડિયા પર એક રીલ શેર કરી હતી. આ વીડિયોમાં તે 'તૌબા તૌબા' ગીત પર નાચતા મજાકમાં ઉચકીને ચાલી રહ્યાં હતા, પરંતુ તેની આ મજાક બધાને પસંદ આવી નથી.
ભારતના પૂર્વ ક્રિકેટરો દ્વારા બનાવવામાં આવેલી આ રીલ પર જાણીતી પેરા-બેડમિન્ટન ખેલાડી માનસી જોશીએ તેની આલોચના કરી. માનસી જોશીનું માનવું છે કે ભારતીય ક્રિકેટરોએ અપંગતાની મજાક ઉડાવી છે. માત્ર માનસી જોશી જ નહીં, નેશનલ વિકલાંગ કલ્યાણ સંસ્થા (NCPEDP)ના કાર્યકારી ડાયરેક્ટર અરમાન અલીએ પણ ક્રિકેટરો વિરુદ્ધ આમિર કોલોની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.
હરભજન સિંહે આ મામલામાં કરી સ્પષ્ટતા
મજાકમાં બનાવવામાં આવેલી વીડિયો રીલ પર હવે હરભજન સિંહે સફાઈ આપી છે. હરભજન સિંહે જણાવ્યું કે વીડિયો બનાવવાનો ઈરાદો કોઈને ઠેસ પહોંચાડવાનો નહોતો. તે લંગડાઈને તે દેખાડવા ઈચ્છતા હતા કે સતત 15 દિવસ ક્રિકેટ રમવાથી તેની બોડી થાકી ગઈ છે. પરંતુ જેને આ વીડિયો સારો નથી લાગ્યો તેના માટે તેણે માફી માંગી અને બધાને આગળ વધવાનું કહ્યું.
તેણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, 'ઈંગ્લેન્ડમાં ચેમ્પિયનશિપ જીત્યા બાદ અમે સોશિયલ મીડિયા પર 'તૌબા તૌબા' ગીત પર નાચતા વીડિયો બનાવ્યો હતો, જેને લઈ કેટલાક લોકો ફરિયાદ કરી રહ્યાં છે. અમારો ઈરાદો કોઈની ભાવનાને ઠેંસ પહોંચાડવાનો નહોતો. અમે દરેક વ્યક્તિ અને સમુદાયનું સન્માન કરીએ છીએ. આ વીડિયો માત્ર 15 દિવસ સતત ક્રિકેટ રમ્યા બાદ અમારી બોડીની સ્થિતિ દેખાડવા માટે બનાવવામાં આવ્યો હતો.'
કોઈને ઠેંસ પહોંચાડવાની ઈચ્છા નહોતીઃ હરભજન
તેમણે કહ્યું- અમારો ઈરાદો કોઈનું અપમાન કરવાનો નહોતો. જો કોઈને લાગે છે કે અમે ભૂલ કરી છે, તો હું અમારા તરફથી બધાની માફી માંગુ છું. મહેરબાની કરી અહીં ખતમ કરો અને આગળ વધો. સ્વસ્થ અને ખુશ રહો. બધાને પ્રેમ..