ગૌતમ ગંભીરના સમર્થનમાં હરભજન સિંહ-લક્ષ્મણ, કહ્યું- તે આવી ટિપ્પણી ન કરી શકે
દિલ્હી પૂર્વથી ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીરના સમર્થનમાં ટ્વીટ કરતા હરભજન સિંહે કહ્યું કે, ગૌતમ ક્યારેય કોઈ મહિલાને ખોટું ન કહી શકે પછી ભલે તે હારી કેમ ન જાય.
નવી દિલ્હીઃ દિલ્હી પૂર્વથી આપના ઉમેદવાર આતિશી વિરુદ્ધ લખાયેલી વિવાદાસ્પદ ચિઠ્ઠી પર રાજકીય જંગ ચાલું છે. આ વચ્ચે વિવાદમાં ક્રિકેટર હરભજન સિંહ અને વીવીએસ લક્ષ્મણ પણ કૂદી ગયા છે. દિલ્હી પૂર્થથી ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીરના સમર્થનમાં ટ્વીટ કરતા હરભજન સિંહ અને વીવીએસ લક્ષ્મણે કહ્યું કે, ગૌતમ ક્યારેય કોઈપણ મહિલા માટે ખોટુ ન કહી શકે ભલે તે હારી કેમ ન જાય.
મહત્વનું છે કે ગુરૂવારે એક પત્રકાર પરિષદમાં આતિશી અને દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે, દિલ્હીમાં ગૌતમ ગંભીર તરફથી એક ખુબ અભદ્ર ચીઠ્ઠી વેંચવામાં આવી છે. તેમાં આતિશી વિરુદ્ધ ખરાબ ટિપ્પણી છે.
ગૌતમ ગંભીરે આ આરોપો પર કહ્યું કે, જો આમ આદમી પાર્ટી આ આરોપોને સાબિત કરી દે તો તે રાજનીતિ છોડી દેશે. આ સંપૂર્ણ ઘટનાક્રમ પર હરભજન સિંહે આશ્ચર્ય વ્યક્ત કર્યું અને કહ્યું, 'ગૌતમ ગંભીરને લઈને કાલે થયેલા ઘટનાક્રમ વિશે હું આશ્ચર્યમાં છું, હું તેને ઘણી સારી રીતે જાણું છું, તે મહિલાઓ વિરુદ્ધ અપશબ્દ ન બોલી શકે, તે જીતે કે હારે તે અલગ વાત છે પરંતુ આ માણસ આ તમામ વસ્તુથી ઉપર છે.'