નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયા અત્યારે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી રમી રહી છે. રોહિત શર્માની આગેવાનીમાં પ્રથમ બે મુકાબલામાં ટીમ ઈન્ડિયાએ જીત સાથે શરૂઆત કરી હતી. પરંતુ ઈન્દોર ટેસ્ટમાં ટીમે હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમ માત્ર સવા બે દિવસમાં મેચ હારી ગઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય ટીમ સિરીઝમાં 2-1થી આગળ છે. 9 માર્ચથી અમદાવાદમાં અંતિમ ટેસ્ટ રમાશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ડાયરેક્ટ ક્વોલિફાઈ કરવા માટે ભારતે આ મેચ જીતવી પડશે. બાકી તેણે શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ સિરીઝ પર નિર્ભર રહેવું પડશે. 


વર્તમાન ટેસ્ટ શ્રેણી બાદ ટીમ ઈન્ડિયાને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની સીધી ફાઇનલમાં જવું પડી શકે છે. એટલે કે તેના પહેલા કોઈ ટેસ્ટ સિરીઝ નથી. ફાઈનલ 7 જૂનથી ઈંગ્લેન્ડમાં રમાવાની છે. ત્યાંની સ્થિતિ ભારતથી સાવ અલગ છે.


વર્તમાન શ્રેણીની ત્રણેય મેચોમાં ભારત 3 સ્પિનરો ઓલરાઉન્ડર સાથે ઉતર્યું હતું. જેમાં આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલનો સમાવેશ થાય છે. પરંતુ ઈંગ્લેન્ડમાં તેને ઝડપી બોલર ઓલરાઉન્ડરની જરૂર પડશે. હાલમાં જ કેપ્ટન રોહિત શર્માએ કહ્યું હતું કે ચેમ્પિયનશિપની ફાઈનલને જોતા શાર્દુલ ઠાકુર ટીમમાં આવી શકે છે. 


આ પણ વાંચોઃ માત્ર 5 મેચમાં રોહિતે બનાવ્યો આ શરમજનક રેકોર્ડ, જાણીને ફેન્સ થઈ જશે નિરાશ


ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ ઇયાન ચેપલ ટેસ્ટ ટીમમાં ફરી હાર્દિક પંડ્યાને જોવા ઈચ્છે છે. વનડે અને ટી20માં પંડ્યા સારા ફોર્મમાં છે. ઈંગ્લેન્ડમાં ફાસ્ટ બોલરને વધુ મદદ મળે છે. તેવામાં ટેસ્ટ ટીમમાં હાર્દિક પંડ્યાની વાપસી થઈ શકે છે. તે અત્યારે ટી20 ટીમનો કેપ્ટન જ્યારે વનડે ટીમનો વાઇસ કેપ્ટન છે. 


જો વાત કરીએ કેએલ રાહુલની તો તે ખરાબ પ્રદર્શનને કારણે પ્લેઇંગ-11માંથી જગ્યા ગુમાવી ચુક્યો છે. વિકેટકીપર બેટર કેએસ ભરત પણ પ્રથમ ત્રણ ટેસ્ટમાં બેટથી કોઈ યોગદાન આપી શક્યો નથી. આ સિવાય  શાર્દુલ ઠાકુર અને હાર્દિક પંડ્યા ટીમમાં આવે તો એક સ્પિન ઓલરાઉન્ડરને બહાર કરી શકાય છે.


વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની પ્રથમ સીઝનની વાત કરીએ તો ફાઇનલ ઈંગ્લેન્ડમાં જ રમાઈ હતી. ભારતે પ્લેઇંગ-11માં આર અશ્વિન અને રવીન્દ્ર જાડેજાને તક આપી હતી. પરંતુ મેચમાં બંને મળીને માત્ર પાંચ વિકેટ લઈ શક્યા હતા. ન્યૂઝીલેન્ડ સામે ભારતે હારનો સામનો કરવો પડ્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube