દુબઈઃ ભારતીય ટીમના ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યાને પાકિસ્તાન સામેની મેચમાં કમરમાં ગંભીર ઈજાને કારણે સ્ટ્રેચર પર મેદાનની બહાર લઈ જવો પડ્યો હતો. આ કારણે મેદાનમાં હાજર પ્રશંસકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. મેચ પણ 7 મિનિટ સુધી રોકવી પડી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાન સામે 18મી ઓવરમાં આ ઘટના સર્જાઈ હતી. હાર્દિક તેની 5મી ઓવર નાખી રહ્યો હતો. બોલિંગ કરતા સમયે જ અચાનક તેને કમરના ભાગમાં કોઈ ચસકો આવી ગયો હતો. પાંચમો બોલ નાખ્યા બાદ તેની પીઠના નીચેના ભાગમાં અસહ્ય દુખાવો થતાં તે લથડિયા ખાઈને મેદાનમાં ફસડાઈ પડ્યો હતો. ત્યાર બાદ તે જાતે ઉઠી શક્યો નહીં. 


ડોક્ટરો અને ફિઝિયોથેરાપિસ્ટની ટીમ તાત્કાલિક મેદાનમાં દોડી આવી હતી અને તેને પ્રાથમિક સારવાર શરૂ કરી હતી. જોકે, 7 મિનિટ સુધી મેદાન પરની સારવારની પણ કોઈ અસર થઈ ન હતી. હાર્દિક જાતે ઊભો થવામાં અક્ષમ થતાં તેને સ્ટ્રેચરમાં સુવાડીને મેદાનની બહાર લઈ જવાયો હતો. હાર્દિકની ઓવર અંબાતી રાયડુએ પુરી કરી હતી. હાર્દિકના સ્થાને મનીષ પાંડેને ફિલ્ડિંગ માટે ઉતારવામાં આવ્યો હતો.  



હાર્દિકની તબિયત અંગે બીસીસીઆઈએ ટ્વીટ કરીને જણાવ્યું કે, હાર્દિકની કમરમાં ગંભીર દુખાવો થઈ રહ્યો છે. હાલ તો મેદાન બહારની સારવાર બાદ મેડિકલ ટીમની દેખરેખ હેઠળ તે ઊભો થઈ શકે છે. જોકે, તે બેટિંગ કરી શકશે કે નહીં તે હાલ કહી શકાય એમ નથી. તેના સ્થાને મનીષ પાંડે ફિલ્ડિંગ કરી રહ્યો છે.