નવી દિલ્હી: ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાએ પોતે ટ્વિટર પર બાબાસાહેબ આંબેડકર વિશે કોઈ પણ પ્રકારની અપમાનજનક ટિપ્પણી કરી હોવાની વાતનો ઈન્કાર કર્યો છે. તેણે કહ્યું કે આ ટ્વિટ એક નકલી એકાઉન્ટ દ્વારા કરવામાં આવી છે અને તેમાં તેના નામ અને તસવીરનો ખોટી રીતે ઉપયોગ થયો છે. જોધપુર કોર્ટના આદેશ બાદ પોતાના સ્પષ્ટીકરણમાં પંડ્યાએ કહ્યું કે તેના મનમાં આંબેડકર પ્રત્યે અત્યંત આદર અને સન્માન છે. અત્રે જણાવવાનું કે ક્રિકેટર હાર્દિક પંડ્યા બંધારણના ઘડવૈયા ડો.ભીમરાવ આંબેડકર પર કરેલી એક ટિપ્પણીના કારણે વિવાદમાં ફસાયો છે. જોધપુરની એક સ્પેશિયલ એસસી/એસટી કોર્ટે પોલીસને હાર્દિક પંડ્યા વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવાનો આદેશ આપ્યો છે. હકીકતમાં હાર્દિક પંડ્યા વિરુદ્ધ કોર્ટમાં અરજી કરાઈ હતી અને તેની સામે એફઆઈઆર દાખલ કરવાની માંગણી કરાઈ હતી જેને કોર્ટે સ્વીકારી લીધી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોતાના અધિકૃત ટ્વિટર એકાઉન્ટથી નિવેદન જારી કરીને હાર્દિકે કહ્યું કે કોઈ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડનારી અને અપમાનજનક હોય તેવી કોઈ પણ પ્રકારની નિવેદનબાજીમાં હું સામેલ થઈશ નહીં. હાર્દિકે કહ્યું કે આ ટિપ્પણી કોઈ બનાવટી એકાઉન્ટથી કરવામાં આવી છે. જેમાં તેના નામ અને તસવીરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પંડ્યાએ કહ્યું કે તે કોર્ટને પોતાને આ મામલેથી હટાવવાની અપીલ કરશે. તેણે કહ્યું કે 'આ ટ્વિટ નકલી છે અને મેં કરી નથી એ વાતને સાબિત કરવા માટે હું કોર્ટમાં જરૂરી પુરાવાઓ રજુ કરીશ. મારી ઓળખને લઈને કોઈ શખ્સે આ પોસ્ટ કરી જેથી કરીને મારી છબીને નુક્સાન પહોંચે એ મુદ્દો હું ઉઠાવીશ, જે એક એવી સમસ્યા છે જેનો શિકાર આજના સમયમાં દેશમાં અનેક જાણીતી હસ્તિઓએ સતત થવું પડી રહ્યું છે.'


અત્રે જણાવવાનું કે ઈન્ડિયન પ્રિમિયર લીગ (આઈપીએલ)ની 11મી સિઝનની તૈયારીઓમાં લાગેલો હાર્દિક પંડ્યા એક ટ્વિટના કારણે મુશ્કેલીમાં મૂકાઈ ગયો છે. પંડ્યા વિરુદ્ધ કોર્ટમાં અરજી દાખલ કરનારા ડી.આર.મેઘવાલનું કહેવું છે કે 26 ડિસેમ્બર, 2017ના રોજ પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી બંધારણના ઘડવૈયા ડો.ભીમરાવ આંબેડકર વિરુદ્ધ ટિપ્પણી કરી હતી. મેઘવાલે આરોપ લગાવ્યો છે કે પંડ્યાની આ પોસ્ટમાં ડો. ભીમરાવ આંબેડકરનું અપમાન જ કરાયુ એટલુ નહીં પરંતુ દલિત સમુદાયના લોકોની ભાવનાને પણ ઠેસ પહોંચી છે.



પંડ્યાએ કરી હતી ટ્વિટ-  કોણ આંબેડકર?
ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં છપાયેલા અહેવાલ મુજબ મેઘવાલનું કહેવું છે કે પંડ્યાએ ટ્વિટ કરીને કહ્યું હતું કે 'કોણ આંબેડકર? તેમણે કહ્યું કે પંડ્યાએ ટ્વિટમાં લખ્યું હતું કે એ વ્યક્તિ કે જેણે દેશના બંધારણનો ડ્રાફ્ટ તૈયાર કર્યો કે પછી એ વ્યક્તિ કે જેણે દેશને અનામત નામની એક બિમારી આપી.' અત્રે જણાવવાનું કે મેઘવાલ પોતાને રાષ્ટ્રીય ભીમ સેનાના સભ્ય ગણાવે છે.