નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ તરફથી નિયુક્ત બીસીસીઆઈ લોકપાલ જસ્ટિસ (સેવાનિવૃત) ડીકે ડૈને બુધવારે કહ્યું કે, ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલના મામલા પર તેઓ ઝડપથી નિર્ણય કરશે. ફિલ્મમેકર કરણ જોહરના ટીવી શો 'કોફી વિથ કરણ'માં વિવાદાસ્પદ ટિપ્પણી મામલામાં ફસાયેલા લોકેશ રાહુલ બુધવારે તેમની સમક્ષ રજૂ થયો અને પોતાના પક્ષ રાખ્યો હતો. તેના એક દિવસ પહેલા હાર્દિક પંડ્યા મુંબઈમાં સુનાવણી દરમિયાન રજૂ થયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જસ્ટિસ જૈને ટીવી શોમાં વિવાદિત નિવેદન આપવાના મામલામાં રાહુલ અને પંડ્યાને ગત સપ્તાહે નોટિસ જારી કરીને તેમને સુનાવણી માટે રજૂ થવાનો નિર્દેશ આપ્યો હતો. જૈન પૂર્વ સીએજી વિનોદ રાયની અધ્યક્ષતા વાળી સીઓએને મામલાનો રિપોર્ટ સોંપશે. 


એએનઆઈએ તેમના હવાલાથી જણાવ્યું કે જસ્ટિસ જૈન સમક્ષ સુનાવણી દરમિયાન લોકેશ રાહુલ અને હાર્દિક પંડ્યા રજૂ થઈ ચુક્યા છે અને તેઓ આ મામલા પર પોતાનો નિર્ણય સંભળાવશે. ચૈટ શોનો વિવાદાસ્પદ એપિસોડ જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં પ્રસારિત થયો હતો ત્યારબાદ ખુબ વિવાદ થયો હતો. 



વિવાદ વધ્યા બાદ સીઓએએ ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં વચ્ચેથી બંન્નેને પરત બોલાવી લીધા હતા. બંન્ને પર અસ્થાયી રૂપે પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. બંન્નેએ ત્યારબાદ વિના શરત માફી માગી હતી અને તપાસ પેન્ડિંગ રહેવા સુધી અસ્થાયી પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો હતો. રાહુલ હાલમાં આઈપીએલમાં કિંગ્સ ઈલેવન પંજાબ જ્યારે પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમી રહ્યો છે.