આઈસીસી વુમન વર્લ્ડ ટી20 ટીમ જાહેર, ભારતના ત્રણ ખેલાડીને મળ્યું સ્થાન
આઈસીસી મહિલા વર્લ્ડ ટી20ના ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને 8 વિકેટે હરાવીને ચોથી વખત ટાઇટલ જીત્યું હતું.
દુબઈઃ ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર, વાઇસ કેપ્ટન સ્મૃતિ મંધાના અને બોલર પૂનમ યાદવને આઈસીસી મહિલા વર્લ્ડ ટી20 2018ની ટીમ ઓફ ધ ટૂર્નામેન્ટમાં જગ્યા મળી છે. આ ટૂર્નામેન્ટનું રવિવારે સમાપન થયું હતું. જેમાં ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને 8 વિકેટે હરાવીને ચોથી વખત ટી20નું ટાઇટલ જીત્યું હતું.
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)એ રવિવારે આ ટીમની જાહેરાત કરી હતી. જેમાં વેસ્ટ ઈન્ડિઝમાં રમાયેલી ટી20 વિશ્વકપના તમામ મેચોના પ્રદર્શનને ધ્યાનમાં રાખવામાં આવ્યા હતા.
આઈસીસીએ જાહેર કરેલી ટી20 ટૂર્નામેન્ટની ઈલેવનમાં ઈંગ્લેન્ડના અને ભારતના ત્રણ-ત્રણ ખેલાડી, બે ઓસ્ટ્રેલિયાના અને પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝના એક-એક ખેલાડીને આ ટીમમાં સ્થાન મળ્યું છે. સિલેક્શન પેનલ દ્વારા આ ટીમની પસંદગી કરવામાં આવી હતી. આ પેનલમાં પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટ્રેટર ઈયાન બિશપ, અંજુમ ચોપડા અને ઈબોનય રેનફોર્ડ-બ્રેન્ટ, પત્રકાર મેલિન્ડા ફેરેલ અને આઈસીસીના જનરલ મેનેજર (ક્રિકેટ) જીઓફ એલાર્ડિસનો સમાવેશ થાય છે.
આ ઈલેવનમાં હરમનપ્રીત કૌર સાથે પાકિસ્તાનની કેપ્ટન ઝ્વેરિયા ખાનને પણ સ્તાન આપવામાં આવ્યું છે. પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ ઓસ્ટ્રેલિયાને એલિસા હીલી, ભારતીય ઓપનર સ્મૃતિ અને ઈંગ્લેન્ડની એમી જોન્સને ઓપનર તરીકે પસંદ કરાયા છે.
ઓલરાઉન્ડરમાં વેસ્ટ ઈન્ડિઝની ડેન્ડર્રા ડોટિન, ઓસ્ટ્રેલિયાની એલિસા પેરી અને ઈંગ્લેન્ડની ફાસ્ટ બોલર અન્યા શોર્બસોલે ટીમમાં એક ફાસ્ટ બોલર છે. ન્યૂઝીલેન્ડની ઓફ સ્પિનર લેગ કાસ્પેરેક, લેગ સ્પિનર પૂનમ યાદવ અને ઈંગ્લેન્ડની સ્પિનર ક્રિસ્ટિયા ગાર્ડનને સ્થાન આપવામાં આવ્યું છે.
બાંગ્લાદેશની નવી બોલર જહાંનારા આલમને 12માં ખેલાડી તરીકે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.
આઈસીસીએ જાહેર કરેલી વર્લ્ડ ટી20 2018 ટીમ ઓફ ધ ટૂર્નામેન્ટ
એલિસા હેરી (ઓસ્ટ્રેલિઆ)- 225 રન
સ્મૃતિ મંધાના (ભારત)- 178 રન
એમી જોન્સ (ઈંગ્લેન્ડ- વિકેટકીપર)- 107 રન, 5 શિકાર
હરમનપ્રીત કૌર (ભારત, કેપ્ટન)- 183 રન
ડોટિન (વેસ્ટ ઈન્ડિઝ) - 121 રન, 10 વિકેટ
ઝ્વેરિયા ખાન (પાકિસ્તાન)- 136 રન
એલિસા પેરી (ઓસ્ટ્રેલિયા)- 60 રન, 9 વિકેટ
લેગ કાસ્પેરેક (ન્યૂઝીલેન્ડ)- 8 વિકેટ
અન્યા શોર્બસોલે (ઈંગ્લેન્ડ)- 7 વિકેટ
ગાર્ડન (ઈંગ્લેન્ડ)- 8 વિકેટ
પૂનમ યાદવ (ભારત) - 8 વિકેટ
12th: જહાનારા આલમ (બાંગ્લાદેશ)- 6 વિકેટ
આગામી મહિલા ટી20 વર્લ્ડ કપ 2020માં ઓસ્ટ્રેલિયામાં રમાશે.