મુંબઈઃ આઈસીસી મહિલા વર્લ્ડ ટી20માં ભારતીય ટીમનું સુકાનીપદ હરમનપ્રીત કૌરને સોંપવામાં આવ્યું છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ શુક્રવારે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. આ ટૂર્નામેન્ટ 9 નવેમ્બરથી વેસ્ટઈન્ડિઝમાં રમાવાની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય મહિલા પસંદગી સમિતિએ ટીમનું નેતૃત્વ હરમનપ્રીત કૌરને સોંપ્યું છે. સ્મૃતિ મંધાના વાઈસ કેપ્ટન બનાવાઈ છે. તાજેતરમાં જ ભારતે હરમનપ્રીતની કેપ્ટનશીપ હેઠળ શ્રીલંકાને 5 ટી20 મેચની સીરીઝમાં 4-0થી હરાવ્યું છે. 


મહિલા વર્લ્ડ ટી20 ટૂર્નામેન્ટની આ છઠ્ઠી આવૃત્તિ છે. ભારત આ ટૂર્નામેન્ટની ફાઈનલમાં ક્યારેય પહોંચી શક્યું નથી. ટૂર્નામેન્ટ 16 દિવસ સુધી (9થી 24 નવેમ્બર) વેસ્ટઈન્ડિઝમાં રમાવાની છે. તેના માટે ભારતીય ટીમે ગ્રુપ-બીમાં ઓસ્ટ્રેલિયા, ન્યૂઝિલેન્ડ, પાકિસ્તાન અને આયર્લેન્ડ સાથે ટકરાવાનું રહેશે. 



ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટની શરૂઆત ગુયાનામાં ન્યૂઝિલેન્ડ સામે 9 નવેમ્બરના રોજ પ્રથમ મેચથી કરશે. ત્યાર બાદ 11 નવેમ્બરે પાકિસ્તાન, 15 નવેમ્બરે આયર્લેન્ડ અને 17 નવેમ્બરે ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. 


ટીમઃ હરમનપ્રીત કૌર(કેપ્ટન), સ્મૃતિ મંધાના(વાઈસ કેપ્ટન), મિતાલી રાજ, જેમિમાહ રોડ્રિગ્ઝ, વેદા કૃષ્ણમૂર્તિ, દીપ્તિ શર્મા, તાન્યા ભાટિયા (વિકેટકીપર), પૂનમ યાદવ, રાધા યાદવ, અનુજા પાટિલ, એક્તા બિષ્ટ, ડી. હેમલતા, માનસી જોશી, પૂજા વસ્ત્રકાર અને અરૂણદતિ રેડ્ડી.