નવી દિલ્હીઃ ગત મહિને સમાપ્ત થયેલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં રનર્સઅપ રહેનારી ભારતીય પુરૂષ હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહનું કહેવું છે કે, તેમની ટીમનું લક્ષ્ય આ મહિને ઈન્ડોનેશિયાના જકાર્તામાં શરૂ થઈ રહેલી એશિયન ગેમ્સમાં ટાઇટલ ડિફેન્ડ કરતા ગોલ્ડ મેડલ જીતવાનું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મનપ્રીતે કહ્યું કે, તેમની ટીમનો આત્મવિશ્વાસ આસમાને છે અને અમે ટાઇટલ બચાવવા માટે તૈયાર છીએ. જો ભારતીય ટીમ આ વખતે પણ ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહે છે તો તે ટોક્યો ઓલંમ્પિક 2020ની ટિકિટ મેળવી લેશે. તેણે કહ્યું, અમારૂ એકમાત્ર લક્ષ્ય છે. અમારે માત્ર ગોલ્ડ મેડલ જોઈએ. તેનાથી ઓછું નહીં. અમારે ટોક્યો ઓલંમ્પિકમાં ક્વોલિફાઇ કરવાનું છે. 


હરેન્દ્ર સિંહના કોચ બન્યા બાદ ચેમ્પિયન્સ ટ્રોફી ભારતની પ્રથમ ટૂર્નામેન્ટ હતી. હરેન્દ્રને શુઅર્ડ મરેનના સ્થાન પર ટીમના કોચ નિયુક્ત કરવામાં આવ્યા હતા જે અત્યારે મહિલા ટીમના કોચ છે. 


મનપ્રીતે માન્યું કે મરેનના વિચારનો ટીમ પર ખૂબ પ્રભાવ છે પરંતુ મનપ્રીતે કહ્યું કે, હરેન્દ્રની રણનીતિ ભારતીય ખેલાડીઓને પોતાની રમત રમવા દેવાની છે જે આગળ જઈને ફાયદાકારક સાબિત થશે. 


મિડફીલ્ડરે કહ્યું કે, તે એક શાનદાર કોચ છે જેના વિચારોમાં સકારાત્મકતા છે. દરેક કોચની એક અલગ શૈલી હોય છે. અમારે તેની રણનિતિ પ્રમાણે રમવાનું રહેશે. તેમણે કહ્યું કે, દરેક કોચ ભારતીય ખેલાડીઓની કુદરતી યોગ્યતા, આક્રમક હોકીનો ઉપયોગ કરવા ઈચ્છે છે. દરેક કોચ તેના પર કામ કરવા ઇચ્છે છે. 


તેણે કહ્યું, અમારી સ્પીડને કારણે કાઉન્ટર એટેક અમારો મજબૂત પક્ષ છે. તેથી અત્યાર સુધી જેટલા પણ કોચ આવ્યા છે તમામે તેના પર કામ કર્યું છે. 26 વર્ષીય ખેલાડીએ કહ્યું કે તેની ટીમનું ધ્યાન ફિટનેસ સુધારવા પર છે. 


મનપ્રીતે કહ્યું કે, અમારી તૈયારી સારી છે. અમે વધુ ધ્યાન અમારી ફિટનેસ અને ફિનિશિંગ પર આપી રહ્યાં છીએ. આ સાથે પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવવા પર છે. તેણે કહ્યું, અમે દરેક ટીમને જોઈએ છીએ. અમે પ્રયત્ન કરીએ કે જે ભૂલ કરી તે ફરી ન કરીએ.