મહિલા હોકી વર્લ્ડ કપઃ ભારત પાસે 44 વર્ષ બાદ સેમીફાઇનલમાં પહોંચવાની તક
ગુરૂવારે લંડનના લી વૈલી હોકી એન્ડ ટેનિસ સેન્ટરમાં ભારતીય ટીમનો મુકાબલો આયર્લેન્ડ સામે છે. ગ્રુપ રાઉન્ડમાં તેની સામે ભારતનો પરાજય થયો હતો.
લંડનઃ પોતાના અભિયાનને પાટા પર લાવ્યા બાદ ભારતીય મહિલા હોકી ટીમ ગુરૂવારે ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં ઉતરશે, જ્યાં તેનો સામનો જાયન્ટ કિલર આયર્લેન્ડ સામે થશે. આયરિશ ટીમને હરાવીને 44 વર્ષ બાદ વિશ્વ કપ સેમીફાઇનલમાં જગ્યા બનાવી શકે છે. આ મેચ ભારતીય સમયાનુસાર રાત્રે 10.30 કલાકે રમાશે.
ભારતે ઇટાલીને ક્રોસ-ઓવર મેચમાં હરાવીને અંતિમ-8માં સ્થાન મેળવ્યું હતું. ક્વાર્ટર ફાઇનલમાં આયર્લેન્ડને હરાવ્યા બાદ ભારતીય ટીમ બીજીવાર વિશ્વકપના અંતિમ-4માં પહોંચી જશે.
ભારતીય ટીમ આ પહેલા 1974માં ફ્રાન્સમાં યોજાયેલા વિશ્વકપમાં સેમીફાઇનલમાં પહોંચી હતી અને ટૂર્નામેન્ટમાં ચોથા સ્થાને રહી હતી. આર્જેન્ટીનાના રોસારિયોમાં અંતિમવાર યોજાયેલા ટૂર્નામેન્ટમાં ભારત આઠમાં સ્થાને રહ્યું હતું.
આયર્લેન્ડે છેલ્લી બે મેચમાં ભારતને પરાજય આપ્યો છે, જેથી તેને મનોવૈજ્ઞાનિક ફાયદો થશે. પૂલ-બીમાં આયર્લેન્ડની ટીમ ભારત અને અમેરિકા જેવી ટીમ હોવા છત્તા ટોપ પર રહી હતી.
આયર્લેન્ડે અહીં પૂલ ચરણમાં હરાવ્યા પહેલા ભારતને ગત વર્ષે જોહનિસબર્ગમાં હોકી વિશ્વ લીગ સેમીફાઇનલમાં 2-1થી પરાજય આપ્યો હતો. વિશ્વની 16માં નંબરની ટીમ આયર્લેન્ડે અમેરિકાને 3-1 અને ભારતને 1-0થી હરાવીને ઈતિહાસ રચી દીધો હતો.
ભારતીય ટીમે ઈંગ્લેન્ડ અને અમેરિકા સામે 1-1થી ડ્રો રમી અને આયર્લેન્ડ સામે 0-1થી હારી ગયું. ભારતે અત્યાર સુધી એકમાત્ર જીત ક્રોસ-ઓવર મેચમાં ઈટાલી વિરુદ્ધ (3-0)થી મેળવી. આ જીતથી તેનો આત્મવિશ્વાસ વધ્યો છે. ગોલકીપર સવિતાએ અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે.
કેપ્ટન રાનીએ કહ્યું, અમે ગોલ કરવામાં સફળ થયા છીએ અને આગળ પણ લય યથાવત રાખશું. અમારી સફર અહીં ખતમ થવાની નથી. આ વચ્ચે અન્ય એક ક્વાર્ટર ફાઇનલમાં નેધરલેન્ડનો સામનો યજમાન ઈંગ્લેન્ડ સામે થશે.