નવી દિલ્હીઃ ભુવનેશ્વરમાં શરૂ થનારા 14માં હોકી વિશ્વકપમાં હવે માત્ર ત્રણ દિવસ બાકી છે. ટૂર્નામેન્ટનું ઉદ્ઘાટન મંગળવાર (27 નવેમ્બરે) થશે. ત્યારબાદ બુધવારે (28 નવેમ્બર) સાંજે પાંચ કલાકે બેલ્જિયમ અને કેનેડા વચ્ચે ટૂર્નામેન્ટનો પ્રથમ મેચ રમાશે. વિશ્વકપમાં ભાગ લેનારી મોટા ભાગની ટીમ ઓડિશા પહોંચી ગઈ છે. પ્રેક્ટિસ મેચ પણ શરૂ થઈ ગયા છે. ભારતે ઓલંમ્પિક ચેમ્પિયન આર્જેન્ટીનાને પ્રેક્ટિસ મેચમાં 5-0થી હરાવીને પોતાનો ઈરાદો જાહેર કરી દીધો છે. પરંતુ ટૂર્નામેન્ટમાં તેનો માર્ગ આસાન રહેવાનો નથી. જાણો આ વિશ્વ કપની ખાસ વાતો... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વખતે ખાસ છે 16નું ગણિત
આ વખતે વિશ્વકપમાં 16 ટીમો ભાગ લઈ રહી છે. આવું 16 વર્ષ બાદ થઈ રહ્યું છે. આ પહેલા 2002માં એટલે કે 16 વર્ષ પહેલા 16 ટીમોએ ભાગ લીધો હતો. મહત્વની વાત છે કે, 28 નવેમ્બરથી શરૂ થઈ રહેલા વિશ્વકપનો ફાઇનલ પણ 16 તારીખ (ડિસેમ્બર)ના યોજાશે. આ પ્રથમ વિશ્વ કપ છે, જેમાં ક્વાર્ટર ફાઇનલ મેચ પણ હશે. 


ભારત બીજીવખત ચેમ્પિયન બનવા મેદાને ઉતરશે
યજમાન ભારત મોસ્કો ઓલંમ્પિક (1980) બાદ કોઈ એવી ટ્રોફી જીતી શકી નથી, જેમાં વિશ્વની તમામ દિગ્ગજ ટીમો સામેલ હોય. તેની પાસે આ દુકાળને પૂરો કરવાની તક છે, ભારતીય કેપ્ટન મનપ્રીત સિંહ પણ કહી ચુક્યો છે કે, તેનું પ્રથમ લક્ષ્ય ક્વાર્ટર ફાઇનલ જીતવાનું છે. ભારતે એકમાત્ર વિશ્વ કપ 1975માં જીત્યો હતો. તેણે મલેશિયામાં યોજાયેલા ત્રીજા વિશ્વકપના ફાઇનલમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. 


ઓસ્ટ્રેલિયાની નજર હેટ્રિક ટ્રોફી પર
વર્લ્ડ નંબ-1 ઓસ્ટ્રેલિયાની ટીમ હોકી વિશ્વ કપમાં સતત ત્રીજા ટાઇટલ જીતવાના ઈરાદાથી ઉતરશે. તે આ પહેલા 2010માં ભારત અને 2014માં નેધરલેન્ડમાં યોજાયેલા વિશ્વકપમાં ચેમ્પિયન બની હતી. મહત્વનું છે કે, 47 વર્ષના હોકી વિશ્વકપના ઈતિહાસમાં કોઈપણ ટીમ ટાઇટલની હેટ્રિક બનાવી શકી નથી. પરંતુ ક્રિકેટ વિશ્વકપમાં સતત ત્રણ વાર (1999, 2003, 2007) જીતી ચુકેલું ઓસ્ટ્રેલિયા જો હોકીમાં પણ ટાઇટલની હેટ્રિક કરી લે તો કોઈ ચોંકાવનારી વાત નથી. 



હોકી વિશ્વકપ 2018: થીમ સોંગ 'જય હિંદ, જય ઈન્ડિયા' લોન્ચ, એઆર રહમાને આપ્યું છે શાનદાર સંગિત 


ત્રીજીવખત યજમાની કરશે ભારત
ભારત હોકી વિશ્વકપની યજમાની ત્રીજીવાર કરશે. તે આ પહેલા 2010 અને 1982માં પણ આમ કરી ચુક્યું છે. વર્ષ 2010માં વિશ્વકપની યજમાની દિલ્હીએ કરી હતી, જ્યારે 1982માં મુંબઈએ યજમાની કરી હતી. હોકી વિશ્વકપની શરૂઆત 1971થી થઈ હતી. પ્રથમ વિશ્વકપની યજમાની સ્પેને કરી હતી. સૌથી વધુ ત્રણ-ત્રણ વખત યજમાની કરવાનો સંયુક્ત રેકોર્ડ ભારત અને નેધરલેન્ડના નામે છે. મલેશિયાએ બે વખત યજમાની કરી છે. સ્પેન, આર્જેન્ટીના, ઈંગ્લેન્ડ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા અને જર્મની એક-એક વખત વિશ્વકપની યજમાની કરી ચુક્યા છે.
 
પાકિસ્તાને જીત્યા છે સૌથી વધુ 4 ટાઇટલ
હાલમાં પાકિસ્તાનની ટીમ પૈસાની તંગી અને વિઝાને કારણે ચર્ચામાં રહી હતી. તે ગત વિશ્વકપમાં ક્વોલિફાઇ પણ ન કરી શકી હતી. પરંતુ આ તેનું વર્તમાન છે. ઇતિહાસની વાત કરીએ તો સૌથી વધુ વિશ્વકપ જીતવાનો રેકોર્ડ તેના નામે છે. તેણે સૌથી વધુ ચાર વખત (1971, 1978, 1982, 1994) વિશ્વકપનું ટાઇટલ જીત્યું છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા અને નેધરલેન્ડ ત્રણ-ત્રણ વખત ચેમ્પિયન બન્યા છે. જર્મની બે વખત ટાઇટલ જીત્યું છે. આઠ વખતનું ઓલંમ્પિક ચેમ્પિયન ભારત એક વખત ટાઇટલ જીતી શક્યું છે. આ પાંચ દેશો સિવાય અન્ય દેશ ક્યારેય ચેમ્પિયન બની શક્યો નથી. 


16 ટીમોને ચાર ગ્રુપમાં રખાઇ
વિશ્વકપમાં કુલ 16 ટીમો છે. તેને ચાર-ચારના ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ એમાં આર્જેન્ટીના, સ્પેન, ન્યૂઝીલેન્ડ અને ફ્રાન્સની ટીમ સામેલ છે. ગ્રુપ બીમાં ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, આયર્લેન્ડ અને ચીન છે. ગ્રુપ સીમાં યજમાન ભારત, દક્ષિણ આફ્રિકા, બેલ્જિયમ અને કેનેડાની ટીમ સામેલ છે. ગ્રુપ ડીમાં નેધરલેન્ડ, જર્મની, મલેશિયા અને પાકિસ્તાનની ટીમ છે.