ભુવનેશ્વરઃ સતત ત્રીજા વિશ્વકપ જીતવાના ઈરાદા સાથે ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમે 14મા હોકી વિશ્વકપના પોતાના પ્રથમ મેચમાં આયર્લેન્ડને 2-1થી પરાજય આપ્યો હતો. ત્રણ વખતની પૂર્વ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાએ ગ્રુપ બીનો આ મુકાબલો જીતવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો. વર્લ્ડ નંબર-1 ઓસ્ટ્રેલિયા ચાર પેનલ્ટી કોર્નરમાંથી માત્ર એકમાં ગોલ કરી શક્યું હતું. હવે ઓસ્ટ્રેલિયાની ટક્કર આગામી મેચમાં ઈંગ્લેન્ડ સામે થશે. આયર્લેન્ડ તે દિવસે ચીન સામે રમશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિશ્વકપના ત્રીજા દિવસે શુક્રવાર (30 નવેમ્બર)એ કલિંગા સ્ટેડિયમમાં રમાયેલા પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાનો સામનો આયર્લેન્ડ સામે થયો હતો. ગ્રુપ બીના આ મેચમાં ઓસ્ટ્રેલિયાને જીતનું દાવેદાર માનવામાં આવી રહ્યું હતું. તેણે શરૂઆત પણ ચેમ્પિયનની જેમ કરી હતી. બ્લૈક ગોવર્સે 11મી મિનિટમાં ગોલ કરીને ટીમને 1-0ની લીડ અપાવી હતી. ત્યારબાદ મેચની 13મી મિનિટે શેન ઓ ડોનોગહુએએ ગોલ કરીને બરોબરી કરી લીધી હતી. આ રીતે પહેલા ક્વાર્ટર બાદ બંન્ને ટીમો 1-1ની બરોબરી પર હતી. 


અપેક્ષાકૃત નબળી ગણાતી આયર્લેન્ડની ટીમે ઓસ્ટ્રેલિયાને બીજા ક્વાર્ટરમાં આકરી ટક્કર આપી હતી. આ ક્વાર્ટરમાં બંન્ને ટીમોએ ગોલ કરવાની તક ગુમાવી હતી. બીજા ક્વાર્ટર બાદ પણ સ્કોર 1-1 રહ્યો હતો. મેચનો ત્રીજો અને અંતિમ ગોલ ઓસ્ટ્રેલિયાએ ત્રીજા ક્વાર્ટરમાં કર્યો હતો. તેના માટે બીજો ગોલ ટિમોથી બ્રૈંડે 33મી મિનિટે કર્યો હતો. ટિમોથીના ગોલ બાદ ઓસ્ટ્રેલિયાની લીડ 2-1 થઈ ગઈ હતી. ત્યારબાદ બંન્ને ટીમ ગોલ ન કરી શકી અને મેચ આજ સ્કોર પર પૂરો થયો હતો. 


ભારત, આર્જેન્ટીના, ન્યૂઝીલેન્ડ અને બેલ્જિયમે જીત સાથે કરી શરૂઆત
હોકી વિશ્વ કપના મુકાહલા બુધવારથી શરૂ થઈ ગયા છે. પહેલા દિવસે ભારત અને બેલ્જિયમે પોતાના મેચ જીત્યા હતા. ભારતે આફ્રિકાને 5-0થી હરાવ્યું હતુ, જ્યારે બેલ્જિયમે કેનેડાને પરાજય આપ્યો હતો. વિશ્વકપના બીજા દિવસે ન્યૂઝીલેન્ડે ફ્રાન્સને 2-1થી પરાજય આપ્યો હતો. આજ દિવસે ઓલમ્પિક ચેમ્પિયન આર્જેન્ટીનાએ સ્પેનને 4-3થી પરાજય આપ્યો હતો.