IND vs BEL, Hockey World Cup: ભારત અને બેલ્જિયમ વચ્ચે ગ્રુપ-સીનો મુકાબલો ડ્રો
પહેલા ક્વાર્ટરની સમાપ્તિ પર બેલ્જિયમની લીડ યથાવત રહી હતી. બીજા ક્વાર્ટરમાં પણ બેલ્જિયમના ખેલાડીઓના પક્ષમાં બોલ વધુ સમય સુધી રહ્યો હતો. હાફ ટાઇમ સુધી સ્કોર બેલ્જિયમના પક્ષમાં રહ્યો હતો.
ભુવનેશ્વરઃ યજમાન ભારત અને બેલ્જિયમ વચ્ચે રવિવારે રમાયેલી હોકી વર્લ્ડ કપ પૂલ-સીના મુકાબલો 2-2થી ડ્રો રહ્યો છે. ભુવનેશ્વરમાં દર્શકોથી ખચાખચ ભરેલા કલિંગા સ્ટેડિયમમાં વિશ્વની ત્રીજા નંબરની ટીમ બેલ્જિયમે સારી શરૂઆત કરી પરંતુ ભારતે મજબૂત ટક્કર આપી હતી. ભારત માટે હરમનપ્રીત સિંહ અને સિમરનજીત સિંહે 1-1 ગોલ કર્યો હતો.
બેલ્જિયમની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું અને શરૂઆતી મિનિટમાં જ પેનલ્ટી કોર્નર હાસિલ કર્યું હતું. પરંતુ ભારતીય ગોલકીપર પીઆર શ્રીજેશે શાનદાર બચાવ કર્યો અને પ્રવાસી ટીમને ગોલ કરવામાં સફળતા ન મળી. ત્યારબાદ મેચની આઠમી મિનિટમાં બેલ્જિયમને પેનલ્ટી કોર્નર મળ્યો જેના પર એલેક્જેન્ડર હેન્ડ્રિક્સે ગોલ કરીને પ્રવાસી ટીમને લીડ અપાવી હતી.
પહેલા ક્વાર્ટરની સમાપ્તિ પર બેલ્જિયમની લીડ યથાવત રહી હતી. બીજા ક્વાર્ટરમાં પણ બેલ્જિયમના ખેલાડીઓના પક્ષમાં બોલ વધુ સમય સુધી રહ્યો હતો. હાફ ટાઇમ સુધી સ્કોર બેલ્જિયમના પક્ષમાં રહ્યો હતો.
ત્રીજા ક્વાર્ટરમાં ભારતીય ખેલાડીઓએ આક્રમક હોકી રમી અને તેણે 35મી મિનિટમાં એક પેનલ્ટી કોર્નર મળ્યો પરંતુ તેને ગોલ કરવામાં અસફળ રહ્યાં હતા.
ભારતને સફળતા 40મી મિનિટે મળી અને હરમનપ્રીત સિંહે પેનલ્ટી સ્ટ્રોક પર ગોલ કરીને સ્કોર 1-1થી બરોબર કર્યો હતો. ચોથા ક્વાર્ટરની શરૂઆતમાં ભારતીય ટીમે લીડ મેળવવાનો પ્રયત્ન કર્યો અને 47મી મિનિટમાં સિમરનજીતે ગોલ કરીને સ્કોર 2-1 કરી દીધો હતો.
મેચ સમાપ્તિની થોડી મિનિટ સુધી એમ લાગી રહ્યું હતું કે, ભારત આ મેચમાં બેલ્જિયમને હરાવવામાં સફળ રહેશે પરંતુ 56મી મિનિટમાં સિમોન ગુગનાર્ડે ભારતની આશા પર પાણી ફેરવી દીધઉં હતું. સિમોને મેદાની ગોલ કરીને સ્કોર 2-2થી બરોબર કરી લીધો હતો. ત્યારબાદ ગોલ ન થઈ શક્યો અને મેચ ડ્રો સમાપ્ત થયો હતો. ભારત હવે આગામી મેચમાં કેનેડા સામે ટકરાશે.