ભુવનેશ્વરઃ હોકી વિશ્વકપ (Hockey World Cup 2023) માં આજે કલિંગા સ્ટેડિયમમાં ક્રોસઓવર મુકાબલામાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં ન્યૂઝીલેન્ડે પેનલ્ટી શૂટઆઉટમાં ભારતનું દિલ તોડતા વિશ્વકપમાંથી બહાર કરી દીધુ છે. ફુલ સમય બાદ મેચ 3-3થી બરોબર રહી હતી. ત્યારબાદ પરિણામ માટે પેનલ્ટી શૂટઆઉટનો સહારો લેવામાં આવ્યો હતો. જેમાં ન્યૂઝીલેન્ડે 5-4થી ભારતને પરાજય આપ્યો છે. આ હાર સાથે ભારત વિશ્વકપમાંથી બહાર થઈ ગયું છે. જ્યારે ન્યૂઝીલેન્ડે ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્કોર 3-3થી રહ્યો બરોબર
મેચમાં ફુલ ટાઇમ બાદ બંને ટીમનો સ્કોર 3-3થી બરોબર રહ્યો હતો. મેચમાં ત્રણ ગોલ બીજા ક્વાર્ટરમાં આવ્યા, જ્યારે ચોથો અને પાંચમો ગોલ ત્રીજા ક્વાર્ટરમાં આવ્યો હતો. ચોથા ક્વાર્ટરમાં ન્યૂઝીલેન્ડે એક ગોલ કરીને ભારતના સ્કોરની બરોબર કરી લીધી હતી. ભારત માટે લલિત ઉપાધ્યાય, વરૂણ કુમાર અને સુખજીત સિંહે ગોલ કર્યો હતો. ન્યૂઝીલેન્ડ માટે સૈમ લેન, સીન અને કેને ગોલ કર્યો હતો. 


ચોથા ક્વાર્ટરમાં ન્યૂઝીલેન્ડે કરી બરોબરી
ચોથા ક્વાર્ટરમાં ન્યૂઝીલેન્ડે આક્રમક રમત દાખવી હતી. ન્યૂઝીલેન્ડે એક બાદ એક એટેક કર્યા બાદ 49મી મિનિટે પેનલ્ટી હાસિલ કરી હતી. ત્યારબાદ સીને ગોલ કરી ટીમની વાપસી કરાવી લીધી હતી. ભારતને 52મી મિનિટે પેનલ્ટી કોર્નર મળ્યો પરંતુ ભારતીય ટીમ ગોલ કરી શકી નહીં. ચોથા ક્વાર્ટર બાદ મેચ 3-3થી બરોબર રહી હતી. 


ત્રીજા ક્વાર્ટરમાં ભારતે કર્યો ગોલ
પહેલા હાફ બાદ ન્યૂઝીલેન્ડની ટીમે બોલ પઝેશન રાખ્યું હતું. ત્રીજા ક્વાર્ટરમાં ભારતને સતત બે પેનલ્ટી કોર્નર મળ્યા અને વરૂણ કુમારે ગોલ કરીને ટીમની લીડ 3-1 કરાવી દીધી હતી. ન્યૂઝીલેન્ડે ત્રીજા ક્વાર્ટરમાં પોતાનો બીજો ગોલ કર્યો હતો. ત્રીજા ક્વાર્ટર બાદ ભારત 3-2થી આગળ હતું. 


બીજા ક્વાર્ટરમાં ભારતે મેળવી હતી લીડ
ભારતે ક્રોસઓવર મેચના બીજા ક્વાર્ટરમાં લીડ મેળવી હતી. બીજા ક્વાર્ટરની શરૂઆતમાં આકાશદીપ, શમશેર અને લલિતનો શાનદાર તાલમેલ જોવા મળ્યો અને ભારતે પ્રથમ ગોલ કર્યો હતો. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ લલિત કુમાર ઉપાધ્યાયે પ્રથમ ગોલ કર્યો હતો. ત્યારબાદ ભારતે પેનલ્ટી  કોર્નર દ્વારા બીજો ગોલ કર્યો હતો. ત્યારબાદ ન્યૂઝીલેન્ડે વાપસી કરી અને 28મી મિનિટમાં ગોલ કર્યો હતો. ન્યૂઝીલેન્ડ માટે સૈમ લેને પહેલો ગોલ કર્યો હતો. 


પ્રથમ ક્વાર્ટરનો રોમાંચ
પહેલા ક્વાર્ટરમાં બંને ટીમ સંભાળીને રમતી જોવા મળી હતી. પરંતુ ભારતીય ટીમે કેટલાક એટેક કર્યા હતા. ન્યૂઝીલેન્ડના કેપ્ટનને ગ્રીન કાર્ડ દેખાડવામાં આવ્યું હતું. ત્યારબાદ મેચની 10મી મિનિટે ભારતના મનપ્રીત સિંહને પણ ગ્રીન કાર્ડ દેખાડવામાં આવ્યું હતું. પ્રથમ ક્વાર્ટરમાં ભારતને પેનલ્ટી કોર્નર મળ્યો હતો, પરંતુ ટીમ ગોલ કરવામાં નિષ્ફળ રહી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube