હંસીન જહાંનો આરોપ, શમીએ મળવાનો કર્યો ઇન્કાર, કોર્ટમાં જોવાની આપી ધમકી
હસીન જહાં અને મોહમ્મદ શમી પોતાના ઝગડાને કારણે છેલ્લા ઘણા દિવસથી ચર્ચામાં છે.
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને તેની પત્ની હસીન જહાં વચ્ચે ચાલી રહેલો વિવાદ પૂરો થાય તેમ લાગતું નથી. બે દિવસ પહેલા એક માર્ગ અકસ્માતમાં શમી ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારથી પ્રશ્ન થતો હતો કે હસીન જહાં તેને મળવા જશે. આ પ્રશ્ન પૂછતા હસીન જહાંએ મંગળવારે કહ્યું કે, તે મોહમ્મદ શમીને મળવા માટે ગઈ હતી.
હસીન જહાંએ આરોપ લગાવતા કહ્યું કે, શમી ઈજાગ્રસ્ત છે, તેથી હું તેને મળવા ગઈ હતી. પરંતુ તેણે મળવાનો ઈન્કાર કર્યો. તેણે મને ધમકી પણ આપી. આ સાથે કોર્ટમાં મામલો જોઇ લેવાની ધમકી આપી. શમી અને હસીન જહાં છેલ્લા ઘણા સમયથી ઘરના ઝગડાને કારણે ચર્ચામાં છે.
શમીનો આરોપ મારી પાસે હસીન જહાંનો ફોન નથી આવ્યો
એક દૈનિક અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં શમીએ કહ્યું, અકસ્માત થયા બાદ મારા અંતર-ખબર પૂછવા માટે લગભગ તમામ શુભચિંતકો, મિત્રો અને સગાસંબંધિઓના ફોન આવ્યા. મને આશા હતી કે હસીન જહાં પણ ફોન કરીને મારા અંતરખબર પૂછશે. મને લાગ્યું કે તે મને કે મારા કોઈ સંબંધિને મારા વિશે પૂછવાનો પ્રયત્ન કરશે, પરંતુ આવું ન થયું.
શમીએ કહ્યું કે, હસીન આટલી સ્વાર્થી નીકળશે, મેં ક્યારેય વિચાર્યું ન હતું. તેનો અફસોસ મને હંમેશા રહેશે. બીજીતરફ આ મામલે હસીન જહાંનું કહેવું છે કે તે શમીને મળવા ઈચ્છે છે.
હસીન જહાંએ શમી પર મારપીટ, બળાત્કાર, હત્યાનો પ્રયત્ન, ઘરેલૂ સિંહા અને મેચ ફિક્સિંગ જેવા ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે. પરંતુ શમી આ આરોપોને નકારતો રહ્યો છે. હસીનના આરોપોને કારણે બીસીસીઆઈએ પહેલા તેને વાર્ષિક કરારમાંથી બહાર રાખ્યો હતો. ત્યારબાદ તપાસ પૂર્ણ થતા ફરીથી તેને કરારમાં સામેલ કરવામાં આવ્યો હતો. શમી આ વર્ષે આઈપીએલમાં દિલ્હી તરફથી રમવાનો છે.