હારથી ડર્યો પાકિસ્તાની મૂળનો બ્રિટિશ બોક્સર, બોલ્યો- ભારત સામે બદલો લઈશ
પાકિસ્તાની મૂળના બ્રિટિશ બોક્સર આમિર ખાને વિશ્વકપમાં ભારતના હાથે થયેલા પાકિસ્તાનના પરાજયનો બદલો લેવાની વાત કરી છે.
માનચેસ્ટરઃ પાકિસ્તાની મૂળનો બ્રિટિશ બોક્સર આમિર ખાને રવિવારે વિશ્વકપમાં ભારતના હાથે પાકિસ્તાનને મળેલા પરાજયનો બદલો લેવાની વાત કરી છે. આમિરનો જન્મ અને ઉછેર માનચેસ્ટરમાં થયો છે. તે પ્રોફેશનલ્સ સર્કિટમાં વર્લ્ડ ચેમ્પિયન છે જ્યાં તેનો આગામી મુકાબલો ભારતના નીરજ ગોયત સામે છે. તેણે કહ્યું કે, તે ક્રિકેટમાં મળેલા પરાજયનો દબલો આગામી મહિને જેદ્દાહમાં રમાનારા મુકાબલામાં લેશે.
આમિર પ્રમાણે, 'પાકિસ્તાન આઈસીસી વિશ્વકપમાં ભારત સામે હારી ગયું. હું આ હારનો બદલો લઈશ અને નીરજ ગોયત વિરુદ્ધ સાઉદી અરબમાં રમાનારા આગામી મુકાબલામાં તેને પરાજય આપીશ.' ડબ્લ્યૂબીસી એશિયા ટાઇટલના પૂર્વ વિજેતા ગોયતે પણ ટ્વીટરના માધ્યમથી આમિરને વળતો જવાબ આપ્યો છે. તેણે કહ્યું, 'સપના જોતા રહો આમિર ખાન. તમે મારી સાથે ભારતની જીત જોશો.'
મદદની પણ રજૂઆત કરી
ખરાબ સમયમાંથી પસાર થઈ રહેલી પાકિસ્તાન ટીમની મદદની રજૂઆત કરતા આમિરે કહ્યું કે, તે ફિટનેસ અને એકાગ્રતા વધારવામાં ટીમની મદદ કરી શકે છે. બ્રિટન માટે ઓલિમ્પિકમાં સિલ્વર જીતી ચુકેલા આ બોક્સરે ભારત સામે 89 રનથી થયેલા પરાજય બાદ આ રજૂઆત કરી હતી.
તેણે કહ્યું, 'પાકિસ્તાન ક્રિકેટ ટીમને ફિટનેસ અને મજબૂતી બનાવી રાખવા માટે સુચન આપવા પર મને ખુશી થશે. હું ટીમને ભોજન, ડાઇટ અને ટ્રેનિંગ જેવી વસ્તુ વિશે જણાવી શકું છું. ટીમની પાસે કૌશલ્ય છે પરંતુ તેને ફિટનેસ અને એકાગ્રતા પર ધ્યાન આપવું પડશે.'