યુવરાજ સિંહની જાહેરાત, 2019 બાદ લેશે મોટો નિર્ણય
મોનાકોઃ લાંબા સમયથી ટીમ ઈન્ડિયાથી બહાર શાનદાર બેટ્સમેન યુવરાજ સિંહે એક મોટી જાહેરાત કરી છે. યુવરાજે કહ્યું કે, તે 2019 સુધી ક્રિકેટ રમતો રહેશે અને ત્યારબાદ નિવૃતી પર નિર્ણય લેશે. યુવરાજે ભારત માટે જૂન 2017માં અંતિમ વનડે રમી હતી. તેણે કહ્યું કે, આઈપીએલની આગામી સીઝન મારા માટે ખૂબ મહત્વની છે, કારણ કે, તેમાં સારા પ્રદર્શનથી વિશ્વકપ 2019માં રમવાનો દ્વાર ખુલશે.
યુવરાજે 18માં લારેસ વિશ્વ ખેલ પુરસ્કારો પહેલા કહ્યું, હું આઈપીએલમાં સારૂ પ્રદર્શન કરવા ઈચ્છુ છું. મારા માટે આ ખૂબ મહત્વની ટૂર્નામેન્ટ છે, તેનાથી વિશ્વકપ 2019ની દિશા નક્કી થશે. વિશ્વકપ 2011માં ભારતની જીતમાં યુવરાજનું મહત્વનું યોગદાન રહ્યું હતું. ત્યારબાદ તે કેન્સર સામે જંગ જીતીને મેદાનમાં પરત ફર્યો હતો. તેણે કહ્યું કે, જીવનમાં ટેસ્ટ ટીમમાં સ્થાન પાક્કુ ન કરી શકવાની વાતને અફસોસ રહેશે.
તેણે કહ્યું કે, મારા કેરિયરના શરૂઆતના 6-7 વર્ષ મને વધુ ચાન્સ મળ્યો ન હતો, કારણ કે તે સમયે ટેસ્ટ ટીમમાં શાનદાર ખેલાડીઓ હતો. જ્યારે મને ચાન્સ મળ્યો ત્યારે મને કેન્સર થયું હતું, આ વાતનો અફસોસ રહેશે પરંતુ દરેક વાત પોતાના હાથમાં હોતી નથી. યુવરાજે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની પ્રશંસા કરી છે. જેણે આફ્રિકામાં વનડે અને ટી20 શ્રેણી જીતી છે.
તેણે કહ્યું આ એક શાનદાર પ્રદર્શન હતું. ટેસ્ટ શ્રેણી હારીને વાપસી કરવી અને કોહલીએ આગેવાની કરી હતી. યુવીએ કહ્યું કે, સ્પિનરોનું પ્રદર્શન શાનદાર હતું. વિદેશના પ્રવાસમાં બે શ્રેણી જીતવી જ દર્શાવે છે કે ભારતીય ટીમનો દબદબો છે. તેણે કહ્યું , ટીમનું આગામી લક્ષ્ય ઈંગ્લેન્ડ અને ઓલ્ટ્રેલિયામાં વિજય પ્રાપ્ત કરવાનું હશે.સતત શાનદાર પ્રદર્શન કરવાથી ખેલાડીઓનો આત્મવિશ્વાસ વધે છે.