દુબઈઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) દ્વારા સૌથી મોટા એવોર્ડની જાહેરાત કરી દેવામાં આવી છે. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમને (Babar Azam) આઈસીસી ક્રિકેટર ઓફ ધ યર જાહેર કરવામાં આવ્યો છે. એટલે કે બાબર આઝમને સર ગારફિલ્ડ રોબર્સ ટ્રોફી મળશે. તો ઈંગ્લેન્ડની સ્ટાર ઓલરાઉન્ડર નતાલી સિવરને મહિલા ક્રિકેટર ઓફ ધ યર જાહેર કરવામાં આવી છે. મહિલા ક્રિકેટર ઓફ ધ યરને રશેલ હેહો ફ્લિન્ટ ટ્રોફી એનાયત કરવામાં આવશે. આ સિવાય પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમને વનડે ક્રિકેટર ઓફ ધ યર પણ જાહેર કરવામાં આવ્યો છે. તો ઈંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર અને ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સને ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર જાહેર કરવામાં આવ્યો છે. 


બાબર આઝમને મળ્યું મોટું સન્માન
પાકિસ્તાનના બાબર આઝમને આ વર્ષે આઈસીસી વનડે ક્રિકેટર ઓફ ધ યર અને ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો છે. બાબર આઝમે વર્ષ 2022માં ત્રણેય ફોર્મેટમાં મળીને 2598 રન ફટકાર્યા હતા. આ દરમિયાન તેની એવરેજ 54.12ની રહી હતી. બાબર આઝમે આ દરમિયાન 8 સદી અને 17 અડધી સદી ફટકારી હતી. વર્ષ 2022માં ત્રણેય ફોર્મેટમાં મળીને 2 હજાર કરતા વધુ ફટકારનાર બાબર એકમાત્ર ક્રિકેટર હતો. વનડે ક્રિકેટમાં પણ બાબરે શાનદાર પ્રદર્શન કર્યું હતું. એટલે આઈસીસીએ તેને વનડે ક્રિકેટર ઓફ ધ યર પણ જાહેર કર્યો છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube