દુબઈઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સંઘ (આઈસીસી)એ એશિયા કપમાં હોંગકોંગના મેચને વનડેનો દરજ્જો આપવાનો નિર્ણય કર્યો છે. આઈસીસીએ અખબારી યાદીમાં આ જાણકારી આપી છે. હોંગકોંગ આઈસીસીનું એસોસિએટ સભ્ય છે, જેને અત્યાર સુધી વનડેનો દરજ્જો મળ્યો નથી. પરંતુ તેણે હાલમાં વનડેનો દરજ્જો ધરાવનાર નેપાલને હરાવીને એશિયા કપની ટિકિટ મેળવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંયુક્ત અરબ અમીરાત (યૂએઈ)માં 15 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલા એશિયા કપમાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભારત, પાકિસ્તાન અને શ્રીલંકાને છોડીને એકમાત્ર એવી ટીમ છે, જેને વનડેનો દરજ્જો પ્રાપ્ત નથી. એશિયા કપમાં હોંગકોંગે પોતાનો પ્રથમ મેચ 16 સપ્ટેમ્બરે પાકિસ્તાન અને 18 સપ્ટેમ્બરે ભારત વિરુદ્ધ દુબઈમાં રમવાનો છે. 



આઈસીસીના મુખ્ય કાર્યકારી અધિકારી ડેવિડ રિચર્ડસને કહ્યું, એશિયા કપમાં હોંગકોંગના તમામ મેચોને વનડેનો દરજ્જો આપવા માટે આઈસીસી બોર્ડ દ્વારા એક સકારાત્મક પગલું ભરવામાં આવ્યું છે. આ નિર્ણયની શરૂઆત આ વર્ષની શરૂઆતમાં આઈસીસી ક્રિકેટ વિશ્વકપ ક્વોલિફાયરની સમીક્ષાની સાથે થઈ હતી.