વનડે રેન્કિંગઃ ઈંગ્લેન્ડને પછાડી નંબર 1 બની ટીમ ઈન્ડિયા
વર્લ્ડ કપમાં શાનદાર લયમાં રમી રહેલી ટીમ ઈન્ડિયાને વનડે રેન્કિંગમાં ફાયદો થયો છે. તે ઈંગ્લેન્ડથી 1 પોઈન્ટ આગળ નિકળીને પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે.
માનચેસ્ટરઃ ગુરૂવારે આઈસીસી દ્વારા જારી વનડે રેન્કિંગમાં ટીમ ઈન્ડિયા હવે શિખર પર પહોંચી ગઈ છે. ભારતે ઈંગ્લેન્ડને 1 પોઈન્ટથી પછાડીને વનડે રેન્કિંગમાં પ્રથમ સ્થાન હાસિલ કરી લીધું છે. આ વિશ્વકપમાં ટીમ ઈન્ડિયાએ બે દિવસ બાદ (રવિવારે) ઈંગ્લેન્ડ વિરુદ્ધ જ પોતાની આગામી લીગ મેચ રમવાની છે અને તે પહેલા રેન્કિંગમાં તેને પછાડવાથી ટીમ ઈન્ડિયાને મનોવૈજ્ઞાનિક સરસાઇ જરૂર મળશે.
હવે આઈસીસી રેન્કિંગમાં ભારતના 123 પોઈન્ટ છે, જ્યારે 112 પોઈન્ટ સાથે ઈંગ્લેન્ડ નંબર-2 પર છે. ત્યારબાદ 114 પોઈન્ટની સાથે ન્યૂઝીલેન્ડ નંબર 3 પર અને આ વિશ્વ કપમાં પોતાનું ટાઇટલ બચાવવા ઉતરેલી અને સેમિફાઇનલમાં સૌથી પહેલા જગ્યા પાક્કી કરી ચુકેલી ઓસ્ટ્રેલિયા 112 પોઈન્ટ સાથે ચોથા સ્થાન પર છે.
પરંતુ જો ટીમ ઈન્ડિયા ગુરૂવારે માનચેસ્ટરમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ મેચ ગુમાવશે તો, તે ફરી ઈંગ્લેન્ડથી 1 પોઈન્ટ પાછળ થઈ જશે. આ મેચ બાદ 30 જૂને ભારત અને વેસ્ટ ઈન્ડિઝની ટક્કર થશે અને જો તે આજે વેસ્ટ ઈન્ડિઝ સામે જીત્યા બાદ ઈંગ્લેન્ડને પણ હરાવે તો રેન્કિંગમાં 124 પોઈન્ટ થઈ જશે અને ઈંગ્લેન્ડ 121 પર પહોંચી જશે. બીજીતરફ તેનાથી વિપરીત જો ઈંગ્લેન્ડ ભારતને હરાવે તો તેના 123 પોઈન્ટ થશે અને તે ફરી નંબર 1 બની જશે.
એટલું જ નહીં ભારત વેસ્ટ ઈન્ડિઝ સામે હારી જાય અને ઈંગ્લેન્ડને હરાવી દે તો તે 123 પોઈન્ટની સાથે ફરી નંબર એક પર આવી જશે અને ઈંગ્લેન્ડ 121 પોઈન્ટ પર રહેશે. ભારત હાલમાં શાનદાર લયમાં અને વિશ્વકપમાં અત્યાર સુધી ટીમ ઈન્ડિયા અજેય છે. ભારતે પાંચમાંથી ચાર મેચમાં જીત મેળવી છે, જ્યારે તેની એક મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી.