દુબઈઃ ICC Test Rankings Yashasvi Jaiswal : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ પૂર્ણ થયા બાદ આઈસીસી તરફથી લેટેસ્ટ રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું છે. તેમાં ખાસ વાત છે કે ભારતના યુવા ઓપનિંગ બેટર યશસ્વી જયસ્વાલને ફરી ફાયદો થયો છે, તેણે પોતાના કેપ્ટન રોહિત શર્માને પાછળ છોડી દીધો છે. તો બીજીતરફ પાકિસ્તાનના બાબર આઝમને નુકસાન થયું છે. ભારત વિરુદ્ધ સદી ફટકારનાર ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન જો રૂટને આ સમયે ફાયદો થયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો રૂટને થયો ફાયદો, સીધો નંબર 3 પર પહોંચ્યો
આઈસીસીના તાજા ટેસ્ટ રેન્કિંગમાં ન્યૂઝીલેન્ડનો કેન વિલિયમસન નંબર એક પર છે. તેના 893 રેટિંગ પોઈન્ટ છે. બીજા નંબર પર સ્ટીવ સ્મિથ 818 રેટિંગ પોઈન્ટ સાથે છે. એટલે કે ટોપ-2માં કોઈ ફેરફાર થયો નથી. આ વચ્ચે ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન જો રૂટે ભારત વિરુદ્ધ ચોથી ટેસ્ટમાં સદી ફટકારી હતી. આ સદી બાદ જો રૂટને રેન્કિંગમાં ફાયદો થયો અને તે બે સ્થાનની છલાંગ લગાવી સીધો નંબર ત્રણ પર પહોંચી ગયો છે. તેનું રેટિંગ 799 થઈ ગયું છે.


ડેરિલ મિચેલ અને બાબર આઝમને નુકસાન
જો રૂટ આગળ આવવાનું નુકસાન ન્યૂઝીલેન્ડના ડેરિલ મિચેલ અને પાકિસ્તાનના બાબર આઝમને થયું છે. મિચેલ 780 રેટિંગ પોઈન્ટ સાથે નંબર ચાર અને બાબર આઝમ 768 રેટિંગ પોઈન્ટ સાથે પાંચમાં સ્થાને છે. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાનો ઉસ્માન ખ્વાજા છઠ્ઠા સ્થાને છે. શ્રીલંકાનો દિમુથ કરૂણારત્ને 750 રેટિંગ સાથે સાતમાં નંબર પર છે. ઓસ્ટ્રેલિયાના માર્નસ લાબુશેનને બે સ્થાનનો ફાયદો થયો છે. તે આઠમાં સ્થાને છે. વિરાટ કોહલી રેન્કિંગમાં નવમાં અને ઈંગ્લેન્ડનો હેરી બ્રૂક દસમાં ક્રમે છે.  


યશસ્વી જયસ્વાલ 12માં સ્થાને પહોંચ્યો
આ વચ્ચે યશસ્વી જયસ્વાલનો કમાલ જારી છે. તે ત્રણ સ્થાનના છલાંગની સાથે નંબર 12 પર પહોંચી ગયો છે. એટલું જ નહીં તે ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને રિષભ પંતથી પણ આગળ નિકળવામાં સફળ રહ્યો છે. જયસ્વાલ હવે 727 રેટિંગ પોઈન્ટ સાથે 12માં સ્થાને છે. જ્યારે રોહિત શર્મા 13 અને પંત 14માં સ્થાને છે. યશસ્વી ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝમાં શાનદાર બેટિંગ કરી રહ્યો છે.