વર્લ્ડ કપ માટે એંડ્રયૂ ફ્લિન્ટોફના પ્રમોશનલ વીડિયોને થોડી કલાકોમાં મળી લાખો હિટ્સ
આગામી વર્ષે ઈંગ્લેન્ડમાં 30 મેથી 14 જુલાઈ સુધી વિશ્વકપ રમાશે. જેમાં 10 ટીમો ભાગ લેશે.
નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડ આગામી વર્ષે આઈસીસી વર્લ્ડ કપની યજમાની કરશે. આ વચ્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ એક પ્રમોશનલ વીડિયો રિલીઝ કર્યો છે, જેમાં ઈંગ્લેન્ડનો પૂર્વ ઓલરાઉન્ડર એંડ્રયૂ ફ્લિન્ટોફ ડાન્સર્સના એક સમૂહનું નેતૃત્વ કરતા ''ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ'' ગાતો દેખાઇ રહ્યો છે. આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપના સત્તાવાર ફેસબુક એકાઉન્ટ પર આ પ્રમોશનલ વીડિયોને બુધવરે શેર કરવામાં આવ્યો. વીડિયો ઝજપથી લોકપ્રિય થઈ રહ્યો છે. શરૂઆતી 4 કલાકમાં જ ફેસબુક પર આશરે 4 લાખ કરતા વધુ જોવાયો છે.
વીડિયોની શરૂઆતમાં એંડ્રયૂ ફ્લિન્ટોફ એક અખબાર વાંચતો દેખાઇ રહ્યો છે, જેમાં લખેલું છે- ક્રિકેટ વર્લ્ડ કપ આવવાનો છે. ત્યારબાદ ફ્લિન્ટોફ ઉભો થાય છે અને મસ્તીમાં ગાતા આગળ વધે છે. ધીરે-ધીરે તેની સાથે લોકોનો કાફલો જોડાઇ જાય છે. આશરે બે ડઝન ડાન્સર અને 100 ક્રિકેટ ફેન તેના કાફલામાં જોડાઈ જાય છે. ફેન્સના હાથમાં વર્લ્ડ કપમાં ભાગ લેનારા દેશોના ધ્વજ છે. આ કાફલો ઈંગ્લેન્ડની ગલીઓમાંથી પસાર થાય છે અને આ દરમિયાન તેમાં બીજી હસ્તિઓ પણ સામેલ થાય છે.
આ પ્રમોશનલ વીડિયોમાં ફ્લિન્ટોફ સિવાય રેડિયો1ના ડીજે ગ્રેગ જેમ્સ, ક્રિકેટર ચાર્લોટ એડવર્ડ્સ, ફિલ તુફનેલ, શ્રીલંકાના મહાન બેટ્સમેન કુમારા સાંગાકારા જેવી હસ્તિઓ દેખાઈ રહી છે. મહત્વનું છે કે આગામી વર્ષે ઈંગ્લેન્ડમાં 30 મેથી 14 જુલાઈ સુધી વિશ્વકપ રમાશે. જેમાં 10 ટીમો ભાગ લેશે.