ટી-20 રેન્કિંગઃ રાશિદ ખાનની મોટી છલાંગ, પાકિસ્તાન બોલરને પછાડી બન્યો નંબર વન
અફઘાનિસ્તાને ગુરૂવારે પૂર્ણ થયેલી ત્રણ ટી-20 મેચોની શ્રેણીમાં બાંગ્લાદેશને 3-0થી પરાજય આપ્યો હતો.
દુબઈઃ અફઘાનિસ્તાની સ્પિનર રાશિદ ખાન હાલમાં દેહરાદૂનમાં બાંગ્લાદેશ વિરુદ્ધ સમાપ્ત થયેલી ટી-20 આંતરરાષ્ટ્રીય શ્રેણીમાં 8 વિકેટ ઝડપીને આઈસીસી ટી20 આંતરરાષ્ટ્રીય ખેલાડી રેન્કિંગમાં પોતાનું નંબર વનનું સ્થાન મજબૂત કરી લીધું છે. 19 વર્ષિય સ્પિનરે આ પ્રદર્શનનથી 54 અંક મેળવ્યા, જેનાથી રાશિદના 813 અંક થઈ ગયા જે બીજા સ્થાને રહેલા પાકિસ્તાનના શાહદાબ ખાનથી 80 અંક વધારે છે. રાશિદ ખાન સિવાય મોહમ્મદ નબી અને મુજીબ ઉર રહમાને પણ હાલના આઈસીસી રેન્કિંગમાં છલાંગ લગાવી છે.
અફઘાનિસ્તાને ગુરૂવારે પૂર્ણ થયેલી ત્રણ ટી-20 મેચોની શ્રેણીમાં બાંગ્લાદેશને 3-0થી પરાજય આપ્યો હતો.
રાશિદ ખાન આ શ્રેણીમાં 8 વિકેટ ઝડપીને સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો હતો. બીજીતરફ મોહમ્મદ નબી અને મુજીબ ઉર રહમાને પણ આઈસીસી ટી20 આંતરરાષ્ટ્રીય રેન્કિંગમાં શાનદાર સુધાર કર્યો છે. આ બંન્નેએ બાંગ્લાદેશને શ્રેણીમાં વ્હાઇટ વોશ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી, રાશિદના સાથી નબીને 11 અંકનો ફાયદો થયો અને તે પોતાના કેરિયરમાં સર્વશ્રેષ્ટ રેન્કિંગ મેળવતા આઠમાં સ્થાને પહોંચી ગયો છે.
મુજીબે 62 સ્થાનની છલાંગ લગાવી છે. તે 51માં સ્થાને આવી ગયો છે. આ અપડેટમાં વેસ્ટઇન્ડિઝ અને આઈસીસી વર્લ્ડ ઈલેવન વચ્ચે રમાયેલી લોર્ડસ ટી20 આંતરરાષ્ટ્રીય મેચને પણ સામેલ કરવામાં આવી છે. સ્પિન બોલર્સ (જેમાં છ લેગ સ્પિનર છે) ટોપ-10માં ટોચના 9 સ્થાનો પર છે.
આ શ્રેણીમાં સૌથી વધુ 118 રન બનાવનાર અફઘાનિસ્તાનના સમિફલ્લાહ સેનવારીને પણ 11 સ્થાનનો ફાયદો થયો છે તે બેટ્સમેનના રેન્કિંગમાં 44માં સ્થાને પહોંચી ગયો છે. બાંગ્લાદેશનો મહમુદુલ્લાહ ચાર સ્થાન આગળ વધીને 33માં સ્થાને આવી ગયો છે જ્યારે મુશફીકુર રહીમ ત્રણ સ્થાનની છલાંગ સાથે 41માં સ્થાને છે.
આઈસીસી ટી-20 આંતરરાષ્ટ્રીય ટીમ રેન્કિંગમાં કોઇ ફેરફાર થયો નથી. પાકિસ્તાન આઈસીસી ટી20 રેન્કિંગમાં પ્રથમ નંબરે છે. જેમાં અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ ક્રમશઃ આઠમાં અને 10માં સ્થાને યથાવત છે. અફઘાનિસ્તાનને 4 અંકનો ફાયદો થયો અને તેના 91 અંક છે જ્યારે બાંગ્લાદેશને પાંચ અંકનું નુકસાન થયું અને તેના 70 અંક છે.
મહત્વનું છે કે, રાશિદને 2017 માટે આઈસીસીનો વર્ષનો સર્વશ્રેષ્ઠ ખેલાડી પસંદ કરવામાં આવ્યો હતો. તેણે બીજી મેચમાં 12 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. જેનાથી તેણે કેરિયરના સર્વશ્રેષ્ઠ 816 રેટિંગ અંક મેળવ્યા છે.