ICC T20 Rankings: T20 રેન્કિંગમાં સૂર્યાનો કમાલ, બાબર આઝમને પછાડ્યો, ભુવીને મોટું નુકસાન
આઈસીસી દ્વારા આ સપ્તાહે તાજા ટી20 રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું છે. નવા રેન્કિંગમાં સૂર્યકુમાર યાદવને ફાયદો થયો છે તે બાબર આઝમને પછાડી ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. જ્યારે ભુવનેશ્વર કુમારને બે સ્થાનનું નુકસાન થયું છે.
દુબઈઃ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટીમ ઈન્ડિયાએ ભલે પ્રથમ ટી20 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હોય, પરંતુ આઈસીસી દ્વારા જાહેર કરવામાં આવેલા તાજા રેન્કિંગમાં ભારતીય બેટરોને ફાયદો થયો છે. ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટર સૂર્યકુમાર યાદવ ટી20 રેન્કિંગમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે, તેણે પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમને પાછળ છોડી દીધો છે.
સૂર્યકુમાર યાદવને એક સ્થાનનો ફાયદો થયો છે, જ્યારે બાબર આઝમને એક સ્થાનનું નુકસાન થયું છે. સૂર્યકુમાર યાદવના કુલ 780 રેટિંગ પોઈન્ટ થઈ ગયા છે, જ્યારે બાબર આઝમના 771 રેટિંગ પોઈન્ટ છે.
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રથમ ટી20 મેચમાં સૂર્યકુમાર યાગવે 25 બોલમાં 46 રનની ઈનિંગ રમી હતી, જેમાં ચાર છગ્ગા સામેલ હતા. પરંતુ સૂર્યાની આ ઈનિંગ ટીમને કામ ન આવી અને ઓસ્ટ્રેલિયાએ ચાર વિકેટે ભારતને પરાજય આપ્યો હતો.
કેવી રીતે બદલાય છે ક્રિકેટના નિયમો? જાણો કોને પૂછીને કરવામાં આવે છે નિયમોમાં બદલાવ
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રથમ ટી20 મેચમાં ભુવનેશ્વરે ચાર ઓવરમાં 52 રન આપી દીધા હતા. ભુવનેશ્વરની 19મી ઓવર ટીમ ઈન્ડિયાને ભારે પડી અને ઓસ્ટ્રેલિયાએ મેચ પોતાના કબજામાં કરી લીધી હતી. ભુવનેશ્વર કુમાર ટી20 રેન્કિંગમાં ટોપ-10માં એકમાત્ર ભારતીય બોલર છે.
જો ઓલરાઉન્ડર્સના રેન્કિંગ પર નજર કરવામાં આવે તો હાર્દિક પંડ્યાને શાનદાર પ્રદર્શનનું ઈનામ મળ્યું છે. હાર્દિક પંડ્યા ઓલરાઉન્ડર્સના રેન્કિંગમાં ટોપ-5માં સામેલ થઈ ગયો છે અને તે બે સ્થાનના ફાયદા સાથે પાંચમાં ક્રમે પહોંચી ગયો છે. હાર્દિકના કુલ 180 રેટિંગ પોઈન્ટ છે, જ્યારે શાકિબ અલ હસન 248 રેટિંગ પોઈન્ટ સાથે ટોપ ઓલરાઉન્ડર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube