દુબઈઃ ભારતની વેસ્ટ ઈન્ડિઝ પર જીતમાં મહત્વની ભૂમિકા ભજવનાર ચાઇનામેન બોલર કુલદીપ યાદવ આઈસીસી  ટી-20 રેન્કિંગમાં 14 સ્થાનની છલાંગ લગાવીને પોતાના કરિયરની સર્વશ્રેષ્ઠ 23મી રેન્કિંગ પર પહોંચી ગયો છે.  કુલદીપે વેસ્ટઈન્ડિઝ પર 3-0ની જીત દરમિયાન બે મેચોમાં પાંચ વિકેટ ઝડપી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઈસીસીએ સોમવારે જાહેર કરેલા રેન્કિંગમાં ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર નવ સ્થાન ઉપર આવીને ટોપ-20માં  સામેલ થઈ ગયો છે. તે 19માં જ્યારે જસપ્રીત બુમરાહ 21માં સ્થાન પર છે. બુમરાહ પાંચ સ્થાન આગળ વધ્યો છે. 


ભારતીય બેટ્સમેનોમાં રોહિત શર્મા અને ઓપનિંગ બેટ્સમેન શિખર ધવને પણ પોતાના રેન્કિંગમાં સુધાર કર્યો છે.  આ સિરીઝમાં ટીમની આગેવાની કરી રહેલો રોહિત ત્રણ સ્થાન ઉપર સાતમાં અને ધવન પાંચ સ્થાન ઉપર આવીને  16માં સ્થાને પહોંચી ગયો છે. 


ટીમ રેન્કિંગમાં પાકિસ્તાન પ્રથમ અને ભારત બીજા સ્થાન પર છે. આ બંન્નેએ ક્રમશઃ બે અને ત્રણ પોઈન્ટ મેળવ્યા છે.  પાકિસ્તાનના હવે 138 અને ભારતના 127 પોઈન્ટ થઈ ગયા છે. 


ઓલરાઉન્ડરોની યાદીમાં કોઈ ફેરફાર થયો નથી. ઓસ્ટ્રેલિયાનો ગ્લેન મેક્સવેલ ટોપ પર છે. ત્યારબાદ મોહમ્મદ નબી,  શાકિબ અલ હસન અને જેપી ડ્યુમિનીનો નંબર આવે છે. 


આ વચ્ચે ઓસ્ટ્રેલિયાએ આ મહિને ચાર ટી-20 મેચ રમવાની છે. તેમાં એક મેચ દક્ષિણ આફ્રિકા અને ત્રણ ભારત વિરુદ્ધ રમશે. જો તે ચારેય મેચમાં જીત મેળવે તો તેના 126 પોઈન્ટ થઈ જશે અને તે બીજા સ્થાને પહોંચી જશે. 


પરંતુ તે ચારેય મેચ હારે તો તેના 112 પોઈન્ટ થશે અને તે છઠ્ઠા સ્થાને પહોંચી જશે. આ રીતે દક્ષિણ આફ્રિકા 17 નવેમ્બરે રમાનારી મેચમાં જીતે છે તો તેને ત્રણ પોઈન્ટ મળશે. ભારત જો ત્રણેય મેચ જીતે તો તેના 129 પોઈન્ટ થઈ જશે.