World Cup: ભુવનેશ્વરે નેટ્સમાં ફરહાટની દેખરેખમાં કરી પ્રેક્ટિસ
ભારતીય ટીમ માટે સારા સમાચાર છે. તેના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે મંગળવારે 30-35 મિનિટ સુધી નેટમાં પ્રેક્ટિસ કરી હતી. બીસીસીઆઈએ આ દરમિયાનનો એક વીડિયો પણ શેર કર્યો છે.
નવી દિલ્હીઃ આઈસીસી વિશ્વ કપ-2019મા ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન અત્યાર સુધી દમદાર રહ્યું છે, પરંતુ ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારની ગેરહાજરી તેની મુશ્કેલી વધારી શકે છે. આ વચ્ચે ઈંગ્લેન્ડથી સારા સમાચાર આવવાની આશા બંધાઇ છે. હકીકતમાં ઈજાગ્રસ્ત બોલર ભુવનેશ્વર કુમાર મંગળવારે નેટ પ્રેક્ટિસમાં સામેલ થયો હતો. તેણે માનચેસ્ટરમાં ઇનડોર પ્રેક્ટિસ દરમિયાન બોલિંગ કરી હતી.
બીસીસીઆઈએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં ભુવનેશ્વર કુમાર બોલિંગ કરતો જોવા મળી રહ્યો છે. આ સિવાય બીસીસીઆઈએ પ્રેક્ટિસ સેશનની તસ્વીરો પણ શેર કરી છે. આ તસ્વીરોમાં કોચ રવિ શાસ્ત્રી ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને ઓલરાઉન્ડર વિજય શંકર સાથે વાતચીત કરતા દેખાઈ રહ્યાં છે. ગુરૂવારે ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ મેદાનમાં ઉતરશે.
ભુવનેશ્વરને પાકિસ્તાન વિરુદ્ધ મેચમાં બોલિંગ કરતા સમયે હેમસ્ટ્રિંગની સમસ્યા થઈ હતી. આ કારણે તે મેદાન છોડીને બહાર ગયો હતો. ત્યારબાદ અફઘાનિસ્તાન વિરુદ્ધ મેચમાં પણ તે બહાર રહ્યો હતો.
ભુવનેશ્વર ઈજાગ્રસ્ત થયા બાદ ફાસ્ટ બોલર નવદીપ સૈની ભારતીય ટીમ સાથે જોડાવા માટે સોમવારે માનચેસ્ટર પહોંચી ગયો છે. પરંતુ ટીમ મેનેજમેન્ટે ફાસ્ટ બોલર ભુવનેશ્વરની સ્થિતિ પર અત્યાર સુધી કંઇ અપડેટ આપ્યું નથી.
ભારતીય ટીમે તે સ્પષ્ટ કરી દીધું છે કે નવદીપ માત્ર એક નેટ બોલરના રૂપમાં ટીમ સાથે જોડાયો છે. સૈનીને વિશ્વકપ માટે પસંદ કરાયેલી 15 સભ્યોની ટીમમાં એક સ્ટેન્ડ બાયના રૂપમાં પસંદ કરવામાં આવ્યો હતો.