નવી દિલ્હીઃ આઈસીસી વિશ્વ કપ 2019મા રોહિત શર્માનું બેટ ધમાલ મચાવી રહ્યું છે. એક વિશ્વ કપમાં સૌથી વધુ રનનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે, પરંતુ હવે આ રેકોર્ડ ખતરામાં જોવા મળી રહ્યો છે. આ રેકોર્ડને ટીમ ઈન્ડિયાનો વાઇસ કેપ્ટન રોહિત શર્મા તોડી શકે છે, પરંતુ વધુ એક બેટ્સમેન છે જેની નજર તેંડુલકરના આ રેકોર્ડ પર પડી ગઈ છે. ઓસ્ટ્રેલિયાનો ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નર પણ રોહિત શર્માની સાથે આ રેસમાં સામેલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેંડુલકરે 2003ના વિશ્વ કપમાં દક્ષિણ આફ્રિકામાં 11 મેચોમાં 61.18ની એવરેજથી 673 રન બનાવ્યા છે અને તેમનો આ રેકોર્ડ હાલ ખતરામાં પડી ગયો છે. એક વિશ્વ કપમાં સૌથી વધુ રન બનાવવાના મામલામાં સચિન બાદ ઓસ્ટ્રેલિયાના મેથ્યૂ હેડનનો નંબર આવે છે, જેણે 2007ના વિશ્વ કપમાં 11 મેચોમાં 73.22ની એવરેજથી 659 રન બનાવ્યા હતા. 


ઈંગ્લેન્ડમાં ચાલી રહેલા હાલના વિશ્વ કપમાં ભારતના રોહિતે આઠ મેચોમાં 92.42ની એવરેજથી 647 રન બનાવી લીધા છે જ્યારે વોર્નરે નવ મેચોમાં 79.75ની એવરેજથી 638 રન બનાવ્યા છે. રસપ્રદ વાત છે કે આ બંન્ને બેટ્સમેનોએ પોતાની ટીમની અંતિમ લીગ મેચમાં સદી ફટકારી હતી. રોહિતે શ્રીલંકા વિરુદ્ધ 103 રન અને વોર્નરે આફ્રિકા વિરુદ્ધ 122 રન બનાવ્યા હતા. 


શું તૂટી જશે તેંડુલકરનો 16 વર્ષ જૂનો રેકોર્ડ
ભારત અને ઓસ્ટ્રેલિયા વિશ્વ કપ સેમિફાઇનલમાં પહોંચી ચુક્યા છે અને હવે આ બંન્ને બેટ્સમેનોની પાસે સચિનનો 16 વર્ષ જૂનો રેકોર્ડ તોડવાની તક છે. રોહિતે આ ટૂર્નામેન્ટમાં પાંચ સદી બનાવી છે અને તેણે શ્રીલંકાના કુમાર સાંગાકારાનો એક ટૂર્નામેન્ટમાં ચાર સદી ફટકારવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. વનડેમાં ત્રણ બેવડી સદી ફટકારવાનો વિશ્વ રેકોર્ડ ધરાવનાર રોહિત હવે સૌથી વધુ સદી ફટકારવાના મામલે બેટ્સમેનોની યાદીમાં સંયુક્ત રૂપથી આફ્રિકાના હાશિમ અમલાની બરોબરી કરી પાંચમાં નંબર પર પહોંચી ગયો છે. 

World Cup 2019 INDvsNZ: ... તો મેચ રમ્યા વિના જ ફાઇનલમાં પહોંચી જશે ટીમ ઈન્ડિયા!


જાણો ક્યા બેટ્સમેને ફટકારી કેટલી સદી
રોહિત અને અમલા 27-27 સદી ફટકારી ચુક્યા છે. રોહિતથી આગળ સચિન (49), વિરાટ કોહલી (41), રિકી પોન્ટિંગ (30) અને સનથ જયસૂર્યા (28) છે. રોહિત આ વિશ્વકપમાં સતત ત્રણ સદી ફટકારી ચુક્યો છે અને હવે તે સાંગાકારાના વધુ એક ખાસ રેકોર્ડની બરોબરી કરી શકે છે. વિશ્વ કપમાં સતત સૌથી વધુ સદીનો રેકોર્ડ સાંગાકારાના નામે નોંધાયેલો છે, જેણે 2015મા સતત ચાર સદી ફટકારી હતી.