લંડનઃ આઈસીસી વનડે વિશ્વકપના મુકાહલા 30 મેથી શરૂ થઈ રહ્યાં છે, પરંતુ તેનો ઉદઘાટન સમારોહ બુધવારે રાત્રે ભારતીય સમયાનુસાર 9.30થી 10.30 કલાક સુધી અહીં યોજાશે. આ કાર્યક્રમ જે 'લંડન મોલ'માં થવાનો છે તે બકિંઘમ પેલેસની પાસે સ્થિત છે. ઉદઘાટન સમારોહમાં ઈંગ્લેન્ડની મહારાણી એલિઝાબેથ સહિત રાજપરિવારના સભ્યો પણ સામેલ થશે. કાર્યક્રમમાં આશરે 4000 દર્શકોના સામેલ થવાની આશા છે. આ દર્શકોની પસંદગી બેલેટ પ્રક્રિયાના માધ્યમથી કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતમાં સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર થશે કાર્યક્રમનું પ્રસારણ
આ વિશ્વકપમાં યજમાન ઈંગ્લેન્ડ સહિત 10 ટીમો (ભારત, ઓસ્ટ્રેલિયા, અફગાનિસ્તાન, બાંગ્લાદેશ, ન્યૂઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, સાઉથ આફ્રિકા, પાકિસ્તાન, શ્રીલંકા) ભાગ લઈ રહી છે. પ્રથમ મુકાબલો 30 મેએ દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાશે. 


ભારતમાં ઉદઘાટન સમારોહનું લાઇવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર થશે. તેનું લાઇવ સ્ટ્રીમિંગ હોટસ્ટાર પર પણ થશે. ભારત પોતાનો પ્રથમ મેચ 5 જૂને દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમશે. ટીમ ઈન્ડિયા 1983 અને 2011માં વિશ્વ ચેમ્પિયન બની ચુકી છે. 


કાર્યક્રમમાં તમામ 10 ટીમોના એક-એક પૂર્વ ક્રિકેટર અને એક સેલેબ્રિટી આઇકોન પણ હાજર રહેશે. ભારત તરફથી કપિલ દેવના હાજર રહેવાની આશા છે. 


ઉદઘાટન સમારોહ એક દિવસ પહેલા તે માટે કરવામાં આવી રહ્યો છે, કારણ કે તેમાં તમામ 10 ટીમોના ખેલાડીઓ હાજર રહેવાના છે. કાર્યક્રમ બાદ તમામ ટીમો તે જગ્યા માટે રવાના થઈ જશે, જ્યાં તેણે મેચ રમવાની છે. 


આ વખતે ટૂર્નામેન્ટનું ફોર્મેટ રાઉન્ડ રોબિન અને નોકઆઉટ છે. વિશ્વ કપના 44 વર્ષના ઈતિહાસમાં બીજીવાર આ ફોર્મેટમાં ટૂર્નામેન્ટ રમાશે. આ પહેલા 1992માં રમાયેલો વિશ્વકપ રાઉન્ડ રોબિન ફોર્મેટમાં રમાયો હતો.